આ મંદિરના નામની વાત કરવામાં આવે તો હાટક શબ્દનો અર્થ સોનુ થાય છે. આમ હાટકેશ્વર એટલે સુવર્ણના આધિપતિ. ખાસ શ્રાવણમાં હાટકેશ્વર દાદાની ચૉપોરની પૂજા અને કમળ પૂજા કરવામાં આવે છે. વડનગરમાં બિરાજમાન હાટકેશ્વર દાદાના ધામમાં ભક્તિનો ઉત્સવ ઉજવાય છે.
અતિ પૌરાણિક હાટકેશ્વર મંદિર સાથે કેટલીક ગાથાઓ જોડાયેલી છે. કહેવાય છે કે, આકાશમાં તારકેશ્વર અને પાતાળમાં હાટકેશ્વર બિરાજમાન છે. સાત પાતાળમાં બીજા નંબરે રહેલા તલ-વિતલ નામના પાતાળમાં હાટકેશ્વર સુવર્ણ રૂપે બિરાજમાન છે. અહીં શિવલિંગની સ્વયંભૂ રીતે સ્થાપેલું છે. જે 2000 વર્ષથી વધુ પ્રાચીન છે. આ મંદિરનો ઉલ્લેખ સ્કંધપુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, હાટકેશ્વર દાદાના દર્શન કરવાથી 14 જ્યોતિર્લીંગનું દર્શનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ મંદિરનો સોલંકીકાળમાં જીર્ણોદ્ધાર થયો હતો. ત્યારબાદ અદભૂત કોતરણી કરતા મંદિર ફરતે ભગવાન વિષ્ણુના અનેક અવતાર કંડારાયેલા છે.