કડી શહેરએ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનું હોમ ટાઉન છે જ્યાં સરકારમાંથી અનેક લાભો શહેરના વિકાસ માટે પણ મળ્યા છે. છતાં સ્થાનિક પાલિકા તંત્ર જાણે કે કેમ નઘરોળ બન્યું હોય તેમ શહેરમાં લોકોની રજુઆત છતાં જાહેરમાં લાગેલા વિજલાઈટના પોલ પર લાઈટના કનેક્શનના જંકશન બોક્સ તૂટેલી હાલતમાં, તો વીજ જોડાણના વિજતાર જાણેકે જીવંત હાલતમાં પણ ખુલ્લા લટકી રહ્યા છે.
કડીમાં વીજ વાયરો ખુલ્લા હોવાને લઈ સ્થનિકોને જીવનું જોખમ - કડી શહેર વિકાસની દોડમાં સલામતીને ભુલ્યું
મહેસાણાઃ જિલ્લામાં આવેલું કડી શહેર વિકાસની દોડમાં સલામતીને ભુલ્યું હોય તેમ કડી નગરપાલિકા હસ્તકના વીજપોલ પર જોખમ રૂપ વીજ તાર જોવા મળી રહ્યા છે, જે જોતા કહી શકાય કે પાલિકાની બેદરકારીથી ખુલ્લા વિજતાર દુર્ઘટનાને નોતરી શકે છે.
મહત્વનું છે કે શહેરમાં શેફાલી સર્કલ, ભાગ્યોદય રોડ, ગાંધીચોક, જકાતનાકાઅને અંદરબ્રિજ સહિત જાહેર બજારો વિસ્તારોમાં પણ વીજતાર ખુલ્લા હોઈ જોખમ રૂપ સાબિત થઈ રહ્યા છે.કડીમાં જોખમી ખુલ્લા વીજતાર વરસાદી માહોલમાં રસ્તે જતા વિદ્યાર્થીઓ, મહિલાઓ અને બાળકો સહિત અબોલા પ્રાણીઓ માટે મોતનું મુખ બને તેવી સ્થિતિમાં છે, ત્યારે તંત્ર દ્વારા આ પરીસ્થિતિને બદલવામાં આવે અને લોકોના જીવનું જોખમ બનેલા વીજ તાર કોઈ દુર્ઘટના સર્જે તે પહેલાં સલામતી બક્ષે તેવી સ્થિતિમાં લવાય તે વધુ આવશ્યક બન્યું છે