અમદાવાદ: મહેસાણાના વિસનગરમાં એક 25 વર્ષીય દલિત યુવતીનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો. મળેલી માહિતી અનુસાર મહેસાણાના વિસનગર પાસે આવેલ મર્ચન્ટ કોલેજ પાસેના એરંડાના ખેતરમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવતીના પરિવારજનોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. મહેસાણાના પરિવારે આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.
25 મી તારીખથી ગુમ હતી યુવતી: મહેસાણાના વાલમ ખાતે રહેતી એક 25 વર્ષીય દલિત યુવતી તોરણવાળી માતાના મંદિર પાસે આવેલા ઓશિયા મોલમાં છેલ્લા 2 વર્ષથી નોકરી કરતી હતી. 25મી એપ્રિલે સાંજે નોકરીથી છૂટી ને ઘરે પરત ફરી રહી હતી ત્યારે પોતાના મમ્મી સાથે ફોન ઉપર રોજિંદી વાત કરતી હતી. અચાનક મોબાઈલ ફોન હોલ્ડ અને ત્યારબાદ સ્વીચ ઓફ થઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. રાત્રે 10 વાગ્યા સુધી પણ ઘરે યુવતીના પહોંચતા પરિવાર વિસનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને યુવતી સાથે કોઈ અઘટિત ઘટના ના થાય તે બાબતે જાણકારી આપી હતી.
પોલીસે માત્ર આશ્વાસન આપ્યું: પોલીસ ફરિયાદ બાદ પોલીસે યુવતીને શોધવાનું આશ્વાસન આપતા પરિવારને થોડી રાહત થઈ પણ પોતાની જુવાનજોધ દીકરી માટે પરિવાર પણ મહેસાણાના વિવિધ વિસ્તારમાં યુવતીની શોધખોળ હાથધરી હતી. યુવતી જે ઓશિયા મોલમાં નોકરી કરતી હતી તે સ્થળે મોલમાં પણ પરિવાર અડધી રાત્રે યુવતીની શોધખોળ માટે ગયા ત્યારે મોલના મેનેજરે પણ આશ્વાસન આપ્યું કે સવારે 10 વાગે નોકરી કરવા તો યુવતી આવશે ત્યારે પરિવારને જાણકારી આપીશું.
યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો:સતત બે દિવસની શોધખોળ બાદ અચાનક વાસણા મર્ચન્ટ કોલેજ પાસે એરંડાના ખેતરના ખેડૂતે પોલીસને જાણકારી આપી કે કોઈ અજાણી યુવતીનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ખેડૂતના ફોન બાદ તુરંત પોલીસ ઘટના સ્થળે ખેતરમાં પહોંચી અને 25મી ગુમ થયેલ યુવતીના પરિવારને જાણકારી આપી અને મૃતદેહના ઓળખ માટે બોલાવ્યા ત્યારે યુવતીના પરિવારજનોને ફાડ પડી હતી.