- અન્ય કતલખાને લઈ જવાતી 47 ભેંસો બચાવીને 5 કસાઇઓ વિરુદ્ધ ગુનો નોંધાયો
- મહેસાણાનાં મંડાલી ગામે આવેલા પશુઓના કતલખાને SOGના દરોડા
- બચાવાયેલા પશુઓને પાંજરાપોળ મોકલી અપાયા, રૂ.15.27 લાખનો મુદ્દામાલ જપ્ત
મહેસાણાનાં મંડાલી ગામેથી પોલીસે 47 ભેંસોને કતલખાને જતા બચાવી, 5 કસાઈઓની ધરપકડ
મહેસાણા જિલ્લામાં કતલખાને લઈ જવાઈ રહેલા 65 પશુઓ પકડાયા હોવાની ઘટનાને હજુ લાંબો સમય થયો નથી. એવામાં એસઓજીએ લાંઘણજ પોલીસે મંડાલી ગામે ધનપુરા ગામનાં રોડ પર ખેતરમાં બનાવેલા તબેલામાં દરોડો પાડીને કતલખાને લઇ જવા માટે દોરડાથી બાંધીને રખાયેલી 47 ભેંસો અને પાડાને બચાવીને પાંજરાપોળ મોકલી આપ્યા હતાં. પોલીસે આ સાથે 5 કસાઈઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા: થોડાક દિવસો અગાઉ મહેસાણા હાઇવે પરથી 65 પશુઓને કતલખાને લઇ જતું ટ્રેલર પકડાયુ હતું. આ ઘટનાને હજુ મહિનો પણ નથી થયો એવામાં વધુ એક વાર કસાઈઓની કરતુત પર પોલીસ ત્રાટકી છે. જેમાં 47 પશુઓને કતલખાને ધકેલવાનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. મહેસાણા એસઓજી અને લાંઘણજ પોલીસે મંડાલી ગામે ધનપુરા ગામના રોડ પર ખેતરમાં બનાવેલા તબેલામાં દરોડો પાડીને કતલખાને લઇ જવા માટે દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધીને રખાયેલી 47 ભેંસો અને પાડાને બચાવી લીધા હતા. પોલીસે રૂ.6.77 લાખનાં પશુ, રૂ.8.50 લાખનાં 4 વાહનો મળી કુલ રૂ.15.27 લાખના મુદ્દામાલ સાથે 5 શખ્સોને પકડી લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બાતમી આધારે સમગ્ર ઓપરેશન પાર પડાયું
મંડાલી ગામની સીમમાં ઇંટવાડી નામથી ઓળખાતા આંટામાં ઇમરાનખાન ઉર્ફે મુન્નો એલમખાન પઠાણ તેના ખેતરમાં બનાવેલા તબેલામાં રાખેલી ભેંસોને કતલખાને લઇ જવા માટે વાહનો તૈયાર કરી રાખ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે એસઓજીએ લાંઘણજ પોલીસને સાથે રાખીને પોલીસનાં ચાર વાહનોમાં અહીં તબેલામાં રેડ કરી હતી. પોલીસે અહીંથી ક્રૂરતાપૂર્વક દોરડાથી બાંધેલી 45 બાખડી ભેંસો અને 2 નાના પાડા મળી કુલ રૂ. 6.77 લાખના 47 ઢોરને મુક્ત કરાવ્યા હતા. ઢોરોને કતલખાને લઇ જવા માટે ઉપયોગમાં લેવાયેલ ટ્રક, મિનિટ્રક, સ્વીફ્ટકાર અને બાઇક મળી પોલીસે કુલ રૂ. 15.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પશુ પાંજરાપોળમાં મોકલી આપ્યાં હતાં.
- ઇમરાનખાન ઉર્ફે મુન્નો એલમખાન
- સાહિલખાન મકબુલભાઇ પઠાણ
- સાહિલખાન જહાંગીરખાન પઠાણ
- ભાવેશ વીહાભાઇ રાવળ
- ફિરોજ સાહિલખાન પઠાણ