લોભ અને લાલચની વાત આવે ત્યારે ભલભલાની મતી મરી જતી હોય છે. આવું જ બન્યું છે મહેસાણા જિલ્લાની જનતા સાથે જેમાં એક પબ્લિક ઓટો ક્લબ નામની ખાનગી ફ્રોડ પેઢી ઉભી કરી ભાઈલાલ પટેલ અને હાર્દિક પટેલ નામના બે ઠગબાજોએ ભોળી જનતાને ભ્રમિત કરવા અનેક સ્કીમ ચાલુ કરી હતી. જેમાં એકવાર 3150 રૂપિયા ભરી સભાસદ બની રોજ 50 , એક મહિને 1000 અને 12 મહિને 12000 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ કે ગેસ ભરાવી આપવાની લાલચ આપી 4200 જેટલા સભાસદોના કુલ 1.5 કરોડ જેટલા રૂપિયા પડાવી લીધા છે.
આ ભેજાબાજો દ્વારા 6359388018 મોબાઈલ નંબર સાથે લોભામણી સ્કીમોની જાહેરાત કરતા કાગળો વેચી લોકોને લલચાવતા હતા. મહેસાણાના બેચરાજી, વિસનગર સહિતના શહેરોમાં પોતાની બ્રાન્ચ ખોલી નેટવર્ક સિસ્ટમ મુજબ ગ્રાહકોને એજન્ટો બનાવાતા હતા. જે ગ્રાહક નવા ગ્રાહકોને ખેંચી લાવે તો વ્યક્તિ દીઠ 60 થી 200 રૂપિયાનું કમિશન આપવામાં આવતું હતું. આમ એક મલ્ટી માર્કેટિંગના ગોરખધંધામાં જિલ્લાના 4200 લોકોને અત્યાર સુધી ફસાવવામાં આવ્યા છે.
મહેસાણામાં પોલીસે ઠગબાજ કંપનીનો કર્યો પર્દાફાશ જોકે આ આરોપીઓ પોતાની ફ્રોડ કંપનીમા 50 લાખ લોકોને જોડાવા માંગતા હતા. જે જોતા 150 કરોડથી વધારેનો ચુનો જનતાને લગાવવાનો પ્લાન ગોઠવાયો હતો. પરંતુ મહેસાણા પોલીસને બાતમી મળતા આ મલ્ટી માર્કેટિંગના વેપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા સાયબર સેલના અધિકારીએ પબ્લિક ઓટો ક્લબ નામની આ ઠગ કંપનીના ઠગબાજો સામે ફરિયાદ નોંધી કંપનીના બે બેંક એકાઉન્ટ સીઝ કર્યા છે.
જેમાં એક એકાઉન્ટમાં 80 લાખ જેટલી રકમનું ટ્રાન્જેક્શન થયુ હતું. પોલીસે નિયમો વિરુદ્ધ ખોટી કંપની બનાવી લોકોને ઠગવાના આ કારોબારમાં ઈનામી પ્રથા અને પૈસા ફેરવવાની યોજના કાયદા 1978ની કલમ 3,4 અને 5ની પેટા કલમ ક ખ ગ ઘ અને ઇપીકો 406, 120બી, મુજબ વિજુવાડા -માંડલ અમદાવાદના રહેવાસી ભાઈલાલ પટેલ, અને મહેસાણાના બેચરાજી ખાતે આવેલ પ્રતાપનગરના રહેવાસી હાર્દિક પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા મહેસાણા સહિત રાજ્યમાં બનતી લોભામણી લાલચ આપી છેતરપીંડી અટકાવવા માટે ચેતવાની અપિલ કરી હતી. મહેસાણા જિલ્લામાં પ્રથમવાર આ પ્રકારનો ગુનો નોંધાયો છે. ત્યારે જનતાએ પણ પોતાની અને પોતાના પૈસા મિલકતની જાળવણી કે રોકાણ કરતા પહેલા 100 વાર વિચારવાની જરૂર રહી છે.