121 વર્ષ પછી પુનઃપ્રાણપ્રતિષ્ઠા થઈ મહેસાણા : અમદાવાદ- મહેસાણા જિલ્લાના લાંઘણજ પાસે સાલડી ગામે અલૌકિક ચમત્કારી તીર્થસ્થાન શ્રી પીપળેશ્વર મહાદેવ આવેલું છે. જે મંદિરનું સ્થાન ખૂબ જુનું થઈ જતાં તેના સ્થાને નવું અને કરોડો રૂપિયાના ખર્ચે નવું મંદિર બનીને તૈયાર થયું છે. આ મંદિરમાં હાલ 5 ફેબ્રુઆરી સુધી પાંચ દિવસ સુધીને પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે.
121 વર્ષ પછી પુનઃપ્રાણપ્રતિષ્ઠા થઈ :પાંચ દિવસના પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાત, દેશ અને વિદેશથી પણ ભક્તો દર્શન કરવા આવ્યા છે. મહેસાણા જિલ્લાના અનેક ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં શતકુંડિય અતિરૂદ્દ મહાયજ્ઞમાં જોડાયા છે. શ્રી પીપળેશ્વર મહાદેવના પરિવારના દેવતાઓ, શ્રી અંબાજી માતાજી, શ્રી ઉમીયા માતાજી, શેષનાગ દેવતા સહિતનો 121 વર્ષ પછી પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો છે. હાલ સાલડી ગામે મહાદેવનું નામ સ્મરણ, ભજન અને ભોજનનો સમન્વય સર્જાયો છે.
આ પણ વાંચો Ambaji News : કુવા ખોદતા મળી આવેલા સુકા શ્રીફળ ફોડતાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયા
પાવાગઢના મહાકાળી મા વડવાઓની સાથે આવ્યા :વર્ષો પહેલાની વાત છે પાવાગઢ પર પતઈરાજાનું રાજ હતું. મહાકાળી માના શ્રાપથી પતઈરાજાનું પતન નજીક હતું ત્યારે પટેલ પરિવારના વડવાઓને પતઈરાજાએ કહી દીધું હતું કે તમે અહીંથી ચાલ્યા જાવ. પણ પટેલ પરિવારના વડવાઓએ કહ્યું કે મહાકાળી માને લીધા વગર અમે ન જઈએ, ત્યારે મહાકાળી માએ કહ્યું કે તમે જાવ હું તમારી સાથે છું. ત્યારે ચાંપાનેર પાવાગઢથી વડવાઓ ફરતા ફરતાં મહેસાણા જિલ્લાના લાંઘણજ પાસે આવ્યા ત્યારે મહાકાળી માતાએ પ્રગટ થઈને કહ્યું કે તમે આ જમીનને ખોદાવો અને તમને શિવલીંગ મળશે, ત્યારે માનજો કે હું તમારી સાથે છું.
આ સ્થળ પર ગાય માતાના આચળમાંથી દૂધ ઝરી જતું હતું :આ વાતને સાક્ષી પુરે છે કે તે જ જગ્યાએ ગામ માતાના આચળમાંથી દૂધ ઝરી જતું હતું. તે જોઈને વડવાઓએ ખોદકામ કર્યું અને પાણીમાં મોટો પથ્થર મળ્યો. તે જલાધારી શિવલીંગની સ્થાપના કરાઈ હતી. તે વખતે સયાજીરાવ ગાયકવાડે મંદિર બંધાવીને જલાધારી શિવલીંગની પૂજા કરી હતી. આમ આ સ્વયંભૂ શ્રી પીપળેશ્વર મહાદેવ ત્યારથી શ્રદ્ધા અને આસ્થાનું તીર્થસ્થાન બની ગયું છે.
આ પણ વાંચો Mahashivratri : આ જ્યોતિર્લિંગમાં નવરાત્રિની જેમ 9 દિવસ સુધી ઉજવવામાં આવે છે મહાશિવરાત્રીનો તહેવાર, જાણો તેનું મહત્વ, પૂજા અને ઉપવાસ
પીપળેશ્વર મહાદેવની સ્થાપના પછી વિસ્તારની ખૂબ પ્રગતિ થઈ:શ્રી પીપળેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ કીર્તિભાઈ પટેલે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પીપળેશ્વર મહાદેવની સ્થાપના પછી આ વિસ્તાર અને વિસ્તારના લોકોની ખૂબ પ્રગતિ થઈ છે અને લાંઘણજની આજુબાજુના લોકો સાધન સમ્પન થયા છે. દેશવિદેશ ગયા છે એટલે કે દાદાની ખૂબ દયા થઈ છે. સાલડી ગામના શ્રી પીપળેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવનારના તમામ દુખદર્દ દૂર થાય છે અને માનસિક શાંતિ પ્રદાન કરનારા મહાદેવ છે. એવું આ અલૌકિક અને ચમત્કારી તીર્થસ્થાન બની ગયું છે. અમારી ઉપસ્થિતિમાં પીપળેશ્વર મહાદેવ અને તેમના પરિવારના દેવતાઓનો પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાનું મળ્યું છે તે અમારા વડવાઓના પુણ્યને આભારી છે.
પીપળેશ્વર મહાદેવ જલાધારી છે તેનું રહસ્ય : ગુજરાતના તીર્થસમાન સ્વયંભૂ પ્રગટ શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિર ભવ્ય અને દિવ્ય બન્યું છે. જે લાખો શ્રદ્ધાળુઓના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. એમ કહેવાય છે કે સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવ જલાધારી છે. તેમાં તમે ગમે તેટલું પાણી ચઢાવો તો પાણી કયા જાય છે કે રહસ્ય જ રહ્યું છે.
સુર્વણ શિખર અને ધજાદંડ શોભા વધારી રહ્યા છે: પાંચ દિવસના પુનઃપ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં શતકુંડીય યજ્ઞમાં 26 લાખ 67 હજાર આહુતિ આપવામાં આવી છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે અતિરુદ્ર મહાયજ્ઞ યોજાયો છે. અને 5 ફેબ્રુઆરી, 2023ને બપોરે 12.39 કલાકે યજ્ઞની પૂર્ણાહૂતિ થશે. નવનિર્મિત મંદિર પર સાડા ચાર કિલો સોનાથી શિખર અને ધજાદંડ મઢવામાં આવ્યા છે. સુવર્ણ શિખર અને ધજાદંડ દૈદિપ્યમાન લાગી રહ્યા છે, જે લાંઘણજ અને સાલડી ગામને ઉજળું અને શોભા વધારી રહ્યા છે.