STની અનિયમિતતાઃ વિસનગરના બાકરપુરમાં લોકોએ બસ રોકી નોંધાવ્યો વિરોધ - GUJARAT
મહેસાણાઃ નવા સત્રનું શિક્ષણકાર્ય શરૂ થયાને એક સપ્તાહ પણ થયું નથી, ત્યાં જ વિદ્યાર્થીઓના પરિવહનથી જોડાયેલી ST બસની સેવા ફરી એકવાર વિવાદમાં આવી છે. મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આવેલા બાકરપુર ગામે ST બસો સમયસર ન આવતા ST તંત્રની અનિયમિતતા સામે ગામમાં નારાજગી પ્રસરી છે. જેને પગલે શનિવારે સવારથી જ ગામમાંથી પસાર થતી તમામ ST બસોને ગામના લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં જ રોકી રાખવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ દ્વારા ST તંત્રની અનિયમિતતા સામે નારાજગી દર્શાવીને પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ST બસોને ગામમાં જ રોકી રાખવાનો નવો જ ચીલો બહાર પાડ્યો છે. અગાઉ પણ વડનગર તાલુકાના એક ગામમાં વિસનગર ડેપોની ST બસને ગામલોકો દ્વારા એક દિવસ રોકી રાખવામાં આવી હતી. શનિવારે બાકરપુર ગામે 3 જેટલી ST બસોને રોકી રાખવામાં આવતા ST તંત્ર હરકતમાં આવ્યું છે. જો કે, કલાકો બાદ પણ ST બસોને ગામમાંથી બહાર કાઢવામાં આવી ન હતી, ત્યારે સમસ્યાનું સમાધાન અને ST બસોને બાકરપુર ગામમાંથી મુક્ત ક્યારે કરાય છે તે જોવાનું રહ્યું!