- મોઢેરા સૂર્યમંદિરે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે સૂર્યના કિરણો ગર્ભગૃહમાં પડે છે
- કર્કવૃત મંદિરથી પસાર થતું હોવાથી આ સંજોગો બનવાનું અનુમાન
- સૂર્યકુંડમાં પડી સૂર્યદેવતાની પ્રતિમા પર અને બાદમાં સમગ્ર મંદિરને ઝગમગાવતાં સૂર્યકિરણો
મહેસાણાઃ મોઢેરા સૂર્ય મંદિરનું નિર્માણ સોલંકીકાળમાં થયું હતું. ત્યારે મંદિર એ રીતે નિર્માણ કરાયું હતું કે વહેલી સવારે સૂર્યોદય થતાંની સાથે જ સૂર્યનું પહેલું કિરણ મંદિરના પ્રથમ ભાગ એવા સૂર્યકુંડમાં અને બાદમાં સૂર્યકુંડના પાણીથી પરાવર્તિત થઈને સૂર્યમંદિરના ત્રીજા ભાગ એવા સૂર્યદેવતાની મૂર્તિ હતી તે ગર્ભગૃહમાં પડતું હતું. સૂર્યદેવતાની મૂર્તિના રત્નો પર પડતાં સૂર્યકિરણ ત્યાંથી સમગ્ર મંદિરમાં અનેક કિરણોમાં પરાવર્તિત થતું હતું. આમ સમગ્ર સૂર્યમંદિર સૂર્યના પહેલા કિરણથી ઝગમગી ઉઠતું હતું. હાલમાં પણ 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના દિવસે આ સંજોગો બને છે. જેમાં સૂર્યનું પહેલું કિરણ સૂર્યકુંડથી પરાવર્તિત થઈ ગર્ભગૃહમાં પહોંચે છે. જોકે હાલમાં મંદિરમાં સૂર્યેદેવની પ્રતિમા નથી. જેથી પહેલાંની જેમ સૂર્યકિરણોનું પરાવર્તન મંદિરમાં થવાનો સંજોગ હવે રહ્યો નથી.