મહેસાણા: જિલ્લામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેમ છતાં ધીમે ધીમે દારૂ અને જુગારની પ્રવૃતિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવાર મોડી રાત્રે મહેસાણા એલસીબી ₹ના પીએસઆઇ વાય.કે.ઝાલા સહિતનો સ્ટાફ નંદાસણ પાસે પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમી મળી હતી કે, સરકારી અનાજ ઘઉંની બોરીઓની આડમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ ફતેહાબાદ (હરિયાણા)થી ભરી છત્રાલ બાજુથી નંદાસણથી પસાર થવાનો છે.
અમદાવાદ-મહેસાણા હાઇવે પર સરકારી અનાજની બોરીની આડમાં દારૂની હેરાફેરી
મહેસાણા-અમદાવાદ હાઇવે પર નંદાસણ નજીકથી મહેસાણા LCBએ શુક્રવાર મોડી રાત્રે સરકારી ઘઉંનો જથ્થો ભરીને લઈ જતા હરિયાણાના ટ્રક માંથી ઘઉંના કોથળાની નીચે સંતાડીને લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ.5.44 લાખના દારૂ સાથે બે લોકોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જેને પગલે તાત્કાલિક એલસીબીએ અમદાવાદ-મહેસાણા હાઇવે ઉપર ચડાસણા પાટીયા પાસે હનુમાન મંદિર પાસે નાકાબંધી કરી હતી.નાકાબંધી દરમ્યાન બાતમી વાળી ટ્રક GJ 12 Z 4776 નીકળતા તેને રોકીને તપાસ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. ટ્રકમાં ભરેલી ઘઉંની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂની અલગ-અલગ માર્કાની નાની મોટી સીલબંધ કાચની બોટલો કુલ નંગ-5449 ની કી. આશરે રૂ.5,44,900 મળી આવ્યો હતો. આ સાથે ટ્રક ગાડી કી. રૂ. 12 લાખ, તથા સરકારી ઘઉંની બોરી કી.41,500 મળી કુલ રૂ.17,96,400 નો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.
કેન્દ્ર સરકાર હેઠળના ખાદ્ય નિગમના હરીયાણાના ફતેહાબાદના અનાજ ગોડાઉનથી નીકળેલી ટ્રકમાં વિદેશી દારૂ ઝડપાતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.સરકારી અનાજની આડમાં વિદેશી દારૂની હેરફેરમાં ગોડાઉન મેનેજર અને કોન્ટ્રાકટર સામે પણ શંકાની સોયા તકાયેલી જોવા મળી રહી છે. ઝડપાયેલો વિદેશી દારૂનો જથ્થો કોને પહોંચડાવાનો હતો. તેની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસે વિદેશી દારૂની હેરફેર કરતા બે લોકોને ઝડપી પાડી નંદાસણ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.