મહેસાણાઃ 32 વર્ષીય પરિણીતા પોતાના પહેલા પતિના અવસાન બાદ એક સંતાન સાથે ઊંઝા તાલુકાના કરલી ગામે લગ્ન કરી પોતાનું લગ્ન જીવન શરૂ કર્યું હતું. જ્યાં મહિલાને નવા પતિ સાથેના સંબંધોમાં વધુ એક સંતાન પ્રાપ્તિ થઈ હતી. ત્યારે જુના પતિના સંતાનને લઈ પરિવારમાં ઘરેલુ કંકાસ પ્રવર્તતા અંતે મહિલાએ પોલીસને જાણ કરવાનું કહેતા સાસુએ પોતાની જ વહુ ઉપર એસિડ એટેક કર્યો હતો.
પરિણીતા પર સાસુએ કર્યો એસિડ એટેક, પતિ સહિત સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
ઊંઝા તાલુકાના કરલી ગામે એક પરિણીતા પર સાસુએ એસિડ અટક કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભોગબનનાર મહિલાએ સાસુ-સસરા અને તેના પતિ સામે ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
પીડિત મહિલાના આક્ષેપો મુજબ તેના પતિ અને સસરાએ પણ સાસુને સાથ આપતા તેના પહેલા પતિના સંતાન અને પીડિતાને પણ ઢોર માર માર્યો હતો. જેમાં માતા-પુત્ર બન્ને ઇજગ્રસ્ત થતા હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ઊંઝા પોલીસે બનાવ અંગે મહિલાના નિવેદન આધારે તેના સાસુ-સસરા અને પતિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી કોવિડ-19ના ચેકઅપ બાદ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ દાથ ધરી છે.
આ સાથે જ એસિડ એટેકની આ ઘટનાને ગંભીરતાથી જોતા FSL સહિતની ટીમની મદદથી તપાસ કરાવી હકીકત બહાર લાવવા પોલીસ જરૂરી પુરાવા એકત્ર કરી રહી છે.