પીરુભાઈ મીરની ગુજરાતમાંથી રોડ સેફ્ટી એવોર્ડ માટે પસંદગી મહેસાણા : વડનગરના વતની અને હાલ ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા પીરુભાઈ મીરની ગુજરાતમાંથી રોડ સેફ્ટી એવોર્ડ માટે પસંદગી થઇ છે. તેમને આ રોડ સેફ્ટી એવોર્ડ આગામી 18 એપ્રિલે દિલ્હીમાં યોજાનારા ખાસ સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવનાર છે. એસટી ડ્રાઈવર તરીકેની 27 વર્ષની તેમની ફરજ દરમિયાન એક પણ અકસ્માત વિના અને ઓછા ડીઝલ વપરાશ સાથે ચાર ટેન્કર જેટલા ડીઝલની બચત કરી તેમને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે.
પીરુભાઇની ફરજ વિશેષતાઓ : પીરુભાઈએ અત્યાર સુધીની કારકિર્દીમાં એક પણ રજા લીધી નથી. તેમની સામે કોઈને કોઈ ફરિયાદ રહી નથી કે કોઈ ખાતાકીય તપાસ પણ નથી. ત્યારે તેમની ફરજ વિશેષતાઓ જોઈ રાષ્ટ્રીય કક્ષાના એવાૅર્ડ માટે તેમની પસંદગી કરવામાં આવી છે. મૂળ વડનગરના અને હાલ સતલાસણાના વાવ ખાતે રહેતા પીરુભાઈ છોટુભાઈ મીર અંકલેશ્વર, અંબાજી અને હાલ ખેરાલુ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. પ્રામાણિકતા, મુસાફરોની સલામતી તેમજ સુમેળભર્યો વ્યવહાર, ઓવરટાઈમ, વફાદારીપૂર્વક નોકરી, કોઈ અકસ્માતનો બનાવ નહીં એવી તેમની વિશેષતા રહી છે.
આ પણ વાંચો Gujarat Government GSRTC: નેતાઓના કાર્યક્રમો માટે 1 અબજ રૂપિયાની બસ ગુજરાત સરકારે ભાડે લીધી, અડધું ચૂકવવાનું ભાડું બાકી
પીરુભાઈએ પહેલાં મજાક માની :રાષ્ટ્રપતિ સન્માન માટે કોલ આવતા પીરુભાઈ પોતે મજાક સમજી ફોન કાપી દીધો હતો. બાદમાં ફરીથી કોલ પર વાત થતા વિશ્વાસ આવ્યો હતો. તેમને પોતાનું નામ રાષ્ટ્રપતિ સન્માન માટે જાહેર થતા ખૂબ ખુશી થઈ હોવાનું અને પરિવારમાં પણ ખુશી પ્રસરી હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો National Disability Child Award Surat: અન્વી ઝાંઝરુકીયાને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત
સન્માન માટે આભાર: પીરુભાઈએ પોતાની 27 વર્ષની નોકરીમાં પોતે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોઈ ફરજ દરમિયાન અનેક ઘણું ડીઝલ બચાવ્યું છે. તેઓ કોઈ પણ મુસાફરને કોઈ તકલીફ ન પડે જેને જ્યાં ઉતરવું હોય ત્યાં ઉતારવાના અને જેને બેસવું હોય તેને બેસાડવામાં ક્યારેય મન મોળું કર્યું નથી. પોતે એક પણ રજા પાડ્યા વગર ફરજ નિભાવી હોવાનું જણાવી રહ્યા છે. આમ તેમની વિશેષ ફરજ જોઈ આ સન્માન મળવા જઈ રહ્યું હોય તેવું માની રહ્યા છે.