- ડુપ્લીકેટ દસ્તાવેજ બનવતા ઠગ રંગેહાથ ઝડપાયો
- 1000થી વધુ ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવ્યા હોવાના અનુમાન
- મુદ્દામાલ સાથે આરોપીની કરાઇ ધરપકડ
મહેસાણાઃવિસનગર શહેરમાં ડુપ્લીકેટ આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના દસ્તાવેજ કાઢી આપતા ઠગને મહેસાણા એલસીબીએ બાતમી આધારે રંગેહાથ ઝડપી 54 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જે અંગે વિસનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી LCB વધુ તપાસહાથ ધરી છે.
LCB એ વોચ ગોઠવી કૌભાંડ ઝડપ્યું
વિસનગરમાં મથુરદાસ ક્લબની પાસે આવેલા ગોલ્ડન કોઇન કોમ્પલેક્ષ સ્થિત સંસ્કાર મોબાઇલ એન્ડ ઝેરોક્ષ નામની દુકાન આગળ રાલીસણા ગામનો સાજીદખાન મીસરીખાન સીપાઇ પોતાના કોમ્પ્યુટરમાં ઓનલાઇન બનાવટી આધારકાર્ડ, પાનકાર્ડ ડમી સરકારી દસ્તાવેજો કાઢી આપતો હોવાની બાતમી મળતાં LCBના સ્ટાફે અહીં વોચ ગોઠવી હતી.
ડમી ગ્રાહક મોકલી LCB રંગેહાથ આરોપી ઝડપી પાડ્યો
પોલીસ ખુદ ડમી ગ્રાહક બની તેની પાસે આધારકાર્ડ કઢાવવા પહોંચી હતી. સાજીદખાને નિશ્ચિત નાણાં નક્કી કરી ડુપ્લીકેટ કાર્ડ કાઢી આપતાંની સાથે જ પોલીસે તેને ઇલેકટ્રોનિકસનાં સાધનો, સાહિત્ય, રોકડ રકમ, અલગ-અલગ વ્યક્તિઓનાં આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા મળી કુલ રૂપિયા 54,230ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જે અંગે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરવાના ઇરાદે ખોટા દસ્તાવેજ બનાવવા તેમજ આઇટી એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. પોલીસના કહેવા મુજબ, સાજીદે અત્યાર સુધીમાં 20 જણાને બનાવટી આધારકાર્ડ કાઢી આપ્યા હોવાનું જણાવ્યું હતુ પરંતુ એક હજારથી વધુ લોકોને તેણે બનાવટી દસ્તાવેજ કાઢી આપ્યાનું મનાવામાં આવી રહ્યા છે.