- લૂંટના ઈરાદે અપહરણ અને હત્યા કરતી ગેંગ ઝડપાઈ
- મહેસાણા LCBની ટીમે લૂંટ કરતી ગેંગને ઝડપી
- હત્યા કરી લૂંટને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં કરી કબૂલાત
મહેસાણાઃ જિલ્લામાં વિજાપુર તાલુકાના લાડોલ ગામના વ્યક્તિનો થોડાક દિવસ પહેલા વડનગર નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ જિલ્લા પોલીસને મૃતકના મોત પાછળ કોઈ રહસ્ય હોવાની શંકા જતા પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી.
પોલીસે વોચ ગોઠવી આરોપીઓની અટકાયત કરી
મહેસાણા LCBની ટીમ દ્વારા લાંગણજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનામાં સજા કાપી રહેલો આરોપી પેરોલ જમ્પ કરી વડનગર વિસ્તરમાં ઘટના સ્થળે આવ્યો હોવાની માહિતી સામે આવી હતી. જે આધારે પોલીસે આરોપીની વધુ વિગતો જાણવા ચક્રો ગતિમાન કરી રામપુરા પાલાવાસણા રસ્તા પર વોચ ગોઠવી હતી. જે દરમિયાન આરોપી તેના સાગરીતો સાથે કાર લઈ પસાર થઈ રહ્યો હતો, ત્યારે પોલીસે ગાડીમાં તપાસ કરતા દેશી તમાચા અને કારતૂસ મળી આવ્યા હતા. જેથી પોલીસે કારમાં સવાર સંદીપ પટેલ, સંજય રાવળ અને યોગેશ રાવળની અટકાયત કરી છે.
લૂંટના ઈરાદે અપહરણ અને હત્યા કરતી ગેંગને મહેસાણા LCBએ ઝડપી પાડી પોલીસે મુદ્દામાલ કબજે વધુ તપાસ હાથ ધરી
આરોપી સંદીપ પટેલે પોતે વડનગરમાં લૂંટના ઇરાદે એક વ્યક્તિને કારમાં બેસાડી ઢોર માર મારી હત્યા કરી લૂંટને અંજામ આપ્યું હોવાની પોલીસ તપાસમાં કબૂલાત કરી છે. પોલોસે આરોપીનો ગુનાહિત ઇતિહાસ બહાર લાવવા સઘન પૂછપરછ કરતા આરોપી સંદીપ પેરોલ જમ્પ કરી લૂંટના ઇરાદે માત્ર વડનગર જ નહિ પરંતુ અમદાવાદ ખાતે પણ લિફ્ટ આપવાના બહાને એક વ્યક્તિને ગાડીમાં અપહરણ કરી લૂંટ કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે હાલ અપહરણ, હત્યા અને લૂંટમાં વપરાયેલા મુદ્દામાલ કબજે કરી ગુનામાં સામેલ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.