મહેસાણા: વિજાપુરમાં કણજ અને અમદાવાદ ગ્રામ્ય સહિત 25 થી વધુ ચોરીની આરોપીઓએ કબૂલાત કરી છે. છારા ગેંગના સાગરીતો ગુજરાત બહારના રાજ્યોમાં પણ ચોરીનો આતંક મચાવી ચુક્યા છે.
મહેસાણા શહેર નજીક બાયપાસ હાઇવે પર ચાણસ્મા તરફ થી આવતી એક શંકાસ્પદ કાર મહેસાણા LCBની ટીમે રોકી હતી.કારની તપાસ કરતા કારમાં સવાર બે મહિલા અને તેમના પતિ મળી કુલ ચાર લોકો ચોરીનો સામાન વેચવા અમદાવાદ જતા હોવાની માહિતી સામે આવી હતી.જેને પગલે પોલીસે સ્થળ પરથી કાર અને ચોરીના મુદ્દામાલ સાથે ચારેય આરોપીઓને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ઝડપેલાં ચારેય આરોપીઓની તપાસ પૂછપરછ કરતા ઝડપાયેલા છારા ગેંગના ચાર સભ્યો ચંદ્રકાંત ઉર્ફે મુન્નો વિનોદ પરમાર અને તેની પત્ની ગિરા ચંદ્રકાન્ત પરમાર સાથે કમલેશ થાવરભાઈ રંગવાણી અને તેની પત્ની પૂનમ રંગવાણીએ મહેસાણા, વિજાપુર, કણજ અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારો સહિતના મંદિરોમાં 25 થી વધુ તસ્કરી કરી તરખાટ મચાવ્યો હોવાની કબૂલાત કરી છે.