- મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીના પડઘમ શરૂ
- દૂધસાગર ડેરીની પ્રાથમિક મતદાર યાદી જાહેર
- પ્રાથમિક મતદાર યાદીના 15 વિભાગમાં કુલ 1155 મતદારો
- નિયામક મંડળની 15 બેઠકોની ચૂંટણી યોજાશે
- વાંધા નિકાલ બાદ 11 ડિસેમ્બરે આખરી યાદી જાહેર કરાશે
મહેસાણાઃ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણીનો કાર્યક્રમ હજુ જાહેર થયો નથી, પરંતુ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે બુધવારે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરાઇ છે. જેમાં 15 વિભાગોમાં કુલ 1153 મતદારોનો સમાવેશ થાય છે. જે પૈકી દૂધના જથ્થાના પ્રમાણમાં આવતા 4 વિભાગોના મતદારોને બે- બે મતનો લાભ મળશે. 15 વિભાગો પૈકી ખેરાલુ- વડનગર- સતલાસણા વિભાગમાં સૌથી વધુ 115 મતદાર છે, જ્યારે સૌથી ઓછા 99 મતદાર માણસા વિભાગમાં છે.
ભાજપની ટીમ દૂધસાગર ડેરી કબજે કરવા કરી રહી છે મથામણ
દૂધસાગર ડેરીમાં સત્તા મેળવવા પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને સામે ભાજપના અશોક ચૌધરી જૂથ મેદાને છે. જેમાં કેટલાક વિભાગમાં ભાજપના કાર્યકરોને સાચવવા અંદરખાને જવાબદારી સોંપાઇ હોવાનું સૂત્રો જણાવે છે. જેને લઇ ભાજપની ટીમ દૂધસાગર ડેરી કબજે કરવા મંડળી પ્રતિનિધિઓના મતો ખેંચવા પરસેવો પાડી રહી છે.