મહેસાણા:રાજ્યભરમાં લોકો ઉત્સાહથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં અનેક જગ્યાએ દોરી વડે લોકોના ગળા કપાયા હોય તેવી ઘટનાઓ બનવા પામી છે. મહેસાણામાંથી કરૂણ સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાનાં વિસનગરમાં ચાઇનીઝ દોરી ગળાનાં ભાગે વાગવાથી ચાર વર્ષની દીકરનું માતાની આંખ સામે જ મોત નીપજ્યું છે. જેના કારણે પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો છે.
પરિવારમાં આક્રંદ: મહેસાણા-વિસનગરનાં કડી દરવાજા નજીકથી માતા ચાર વર્ષની બાળકીને લઇને જઇ રહી હતી. આ દરમિયાન બાળકીનાં ગળામાં ચાઇનીઝ દોરી અટવાઇ હતી. જે બાદ તે જીવલેણ દોરી બાળકીનાં ગળામાં વાગી હતી. જે બાદ બાળકી ગંભીર ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે ફરજ પરનાં ડોક્ટરે મૃત જાહેર કરવામાં આવી હતી. જેના કારણે આખા પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો છે.
જીવલેણ દોરી:નડિયાદમાં પતંગની ઘાતક દોરીના કારણે એક યુવાનનો જીવ ગયો હતો. આણંદનો યુવાન મિત્રને મળવા નડિયાદ આવ્યો અને મિત્રનું મોટરસાઇકલ લઈને બજારમાંથી જઇ રહ્યો હતો. આ દરમિયાન શહેરમાં સરદારનગર વિસ્તારમાં ગળાના ભાગે દોરી ભરાઈ જતાં ગળાની નસ કપાઈ ગઈ હતી. આ બનાવમાં યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતુ. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે બીજી બાજુ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.