મહેસાણાઃ હાલમાં ચાલી રહેલી કોરોના વાઇરસની મહામારી વચ્ચે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી આવી પડી છે. તાજેતરમાં આવેલા વાવાઝોડા અને વરસાદની સાથે તીડનો ત્રાસ શરૂ થયો છે. આ બાબતની ગંભીરતા સમજી તંત્ર પાક બચાવવા હરકતમાં આવ્યું છે.
તીડના આતંકથી ખેડૂતોમાં ચિંતા વિસનગર તાલુકામાં આવેલા મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો ખેતી અને પશુપાલન પર નભી રહ્યા છે. તાલુકાના ખેડૂતોને પડતા પર પાટુ સમાન વરસાદ અને વાવાઝોડાની આફત બાદ હવે તીડનો ત્રાસ જોવા મળી રહ્યો છે. વિસનગર તાલુકાના સવાલા, બામોસણા, ગોઠવા, ઘાઘરેટ અને કામલપુર સહિતના 6થી 7 ગામોમાં શુક્રવારે આવેલા ભારે વાવાઝોડાની સાથે તીડનું એક ઝુંડ પણ વિસનગર આવી પહોંચ્યું છે. એક અનુમાન પ્રમાણે આ તીડનું ઝુંડ પાકિસ્તાન અને કચ્છ તરફથી આવ્યું છે.
તીડનો ઉપદ્રવ થતા ખેડૂતોના ઉભા પાક પર જોખમ તોળાઈ રહ્યું છે. આ બાબતે તંત્રને જાણ થતા ખેતીવાડી અને વિસનગર પ્રાંત અધિકારી, TDO અને અન્ય ટીમોએ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ બાબતે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ આધારે માઇનોર સંખ્યામાં તીડ પવનના પ્રવાહમાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
હાલમાં ખેડૂતોના કોઈ પાકને તીડ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. આ તીડ ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડે તેવી શક્યતાને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે. જે કારણે તંત્ર દ્વારા સર્વે કરીને તીડ નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિસનગર તાલુકામાં તીડનો તરખાટ ઉલ્લેખનીય છે કે, 30 વર્ષ પહેલા વિસનગર તાલુકામાં તીડ જેવા જ લીલા કલરના કીટકો આવ્યા હતા. જે બાદ લાંબા સમય બાદ તીડ ખેડૂતો માટે ખતરો બનીને આવ્યા છે. આ તીડ હાલ ઉભા પાકને નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે.