મહેસાણાઃ લોકડાઉનમાં રૂપિયા બનાવવા કડીના PI, PSI સહિત સ્ટાફે દારૂનો ધંધો શરૂ કર્યો હતો. પોલીસ લાઈનમાં વિદેશી દારૂની પેટીઓ રાખી સ્થાનિક બુટલેગરો સાથે મળી રોજ દારૂનો વેપલો કરાતો હતો. જે અંગેની ફરિયાદો DG, IG સુધી થઈ હતી. ચાર દિવસ અગાઉ આઈજીપી સ્કવૉડે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરતા કડી પોલીસ સ્ટાફ ફફડી ઊઠ્યો હતો અને આબરૂ બચાવવા પોલીસ લાઈનના ક્વાર્ટરમાં છુપાવેલી વિદેશી દારૂની પેટીઓ રિક્વિઝિટ કરેલી ગાડીના સંચાલકો અને GRDની મદદથી સગેવગે કરી નાખી હતી.
મહેસાણાઃ કડી પોલીસે સગેવગે કરેલી દારૂની બોટલો NDRF ટીમે કેનાલમાંથી શોધી કાઢી - મયંકસિંહ ચાવડા
લોકડાઉન દરમિયાન વિદેશી દારૂની ઊભી થયેલી તંગીમાં બુટલેગરો સાથે મળી દારૂનો ધંધો કરનારી કડી પોલીસના ગળે હવે ગાળિયો બરાબરનો કસાયો છે. ઉચ્ચસ્તરીય તપાસના પગલે 1200થી વધુ દારૂની બોટલોનો જથ્થો નરસિંહપુરા પાસે નર્મદા કેનાલમાં રાતોરાત સગેવગે કરાયો હોવાનું ધ્યાને આવતા NDRFની ટીમે કેનાલમાંથી વિદેશીદારૂની 100 જેટલી બોટલો શોધી કાઢી હતી. બીજી બોટલો શોધવા વધુ શોધખોળ ચાલું છે.
![મહેસાણાઃ કડી પોલીસે સગેવગે કરેલી દારૂની બોટલો NDRF ટીમે કેનાલમાંથી શોધી કાઢી mehsana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7324593-thumbnail-3x2-msn.jpg)
ઉલ્લેખનીય છે કે, સમગ્ર પોલીસબેડાને કાળો ધબ્બો લગાવતા આ પ્રકરણના મૂળ સુધી પહોંચવા DGPના માર્ગદર્શન હેઠળ 3 અધિકારીઓની ખાસ ટીમની રચના કરાઇ છે. જ્યારે કડી પોલીસ સ્ટેશનનો ચાર્જ મહેસાણા એસઓજી પીઆઇ પરમારને સોંપાયો છે.
કેટલીક દારૂની બોટલો નર્મદા કેનાલમાં નાખી હોવાની તપાસ અધિકારીને જાણ થતાં શુક્રવારે ફાયર બ્રિગેડની ટીમ શોધી નહીં શકતા શનિવારે દારૂ શોધવા NDRFની મદદ લેવાઇ હતી. જેમાં નરસિંહપુરા નર્મદા કેનાલના બ્રિજ નીચેથી બપોરે 100 જેટલી દારૂની બોટલો મળી આવી હતી. તપાસ અધિકારી DYSP વિક્રમસિંહ સોલંકીએ NDRFના અધિકારીને 1200 બોટલો કેનાલમાંથી કાઢવાની છે તેમ જણાવ્યું હતું. આ પ્રકરણમાં કસૂરવારો સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે.
PI, PSI સહિત સ્ટાફના માથે લટકતી તલવાર
દારૂના આ પ્રકરણમાં જેમના પગ નીચે રેલો આવી શકે છે, તે PI ઓ.એમ. દેસાઇ અને PSI કે.એન. પટેલ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયેલા છે. કેટલોક સ્ટાફ પણ સંપર્ક વિહોણો થઇ ગયો છે. NDRFની ટીમે કેનાલમાંથી દારૂ શોધી કાઢતા કસુરવારોના મોતીયા મરી ગયા છે. કારણ કે, પોલીસ તપાસમાં કેનાલમાંથી મળી આવેલી દારૂની બોટલો મહત્વનો પુરાવો બની રહેશે.
ગણતરી દરમિયાન જ બ્રાન્ડેડ દારૂ સાઈડમાં કરાયો'તો?
કડી પોલીસે ઝડપેલા દારૂના જથ્થાની જનતા કર્ફ્યુ પહેલાં મામલતદાર દ્વારા ગણતરી કરાઈ ત્યારે જ સારી બ્રાન્ડનો દારૂ સાઈડમાં કરી દેવાયો હતો. માલ જે રીતે અંદર પડ્યો હતો તે મુજબ ગણતરીમાં મુશ્કેલી ઉભી થતાં અધિકારીને જાણ કરાઇ હતી. આ સંજોગોમાં દારૂની ગણતરી સમયે જ થયેલી ઘાલમેલ માટે પોલીસની સાથે દારૂની ઓછી ગણતરી કરનાર, સીલ મારનાર પણ જવાબદાર મનાય છે.
બુટલેગરો, ડ્રાઇવરો સહિત 15થી વધુની પૂછપરછ
દારૂ મામલે ગાંધીનગર SP દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે પકડાયેલા મુદ્દામાલમાંથી કઢાયેલી બોટલો વેચવામાં મદદ કરનારા બુટલેગરો, જે ગાડીઓમાં દારૂ લઇ જવાતો હતો તેના ડ્રાઈવરો સહિત 15થી વધુની પોલીસે પૂછપરછ બાદ નિવેદન લીધા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં તપાસનીશ પોલીસના હાથમાં મહત્વના પુરાવા લાગ્યા છે અને તેને આધારે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ કરાઇ છે.
DGPને ખાનગી બાતમી મળતાં તપાસ હાથ ધરાઇ
કડી પોલીસ દ્વારા દારૂ સગેવગે કરાતો હોવાની ખાનગી હકીકત DGPને મળી હતી. જે આધારે બાતમીદારો મારફતે કરાયેલી પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સાચી હકીકત હોવાનું બહાર આવ્યું હતું. જેથી મહેસાણા જિલ્લાના પોલીસ અધિકારી/કર્મચારીઓની સંડોવણી અંગે ઝડપી, ન્યાયીક-તટસ્થ તપાસ થાય તે માટે ગાંધીનગર SPના અધ્યક્ષ સ્થાને કલોલ DYSP અને ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના PI સાથે ખાસ તપાસદળ (સીટ) બનાવાયું હોવાની સ્પષ્ટતા ગાંધીનગર રેન્જ IG મયંકસિંહ ચાવડાની યાદીમાં જણાવાયું છે.