મહેસાણાઃ અમદાવાદ શ્રેય હોસ્પિટલમાં બનેલી દુર્ઘટનામાં 8 કોવિડ-19 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, ત્યારે ETV BHARATએ પોતાની સામાજિક જવાબદારી નિભાવી મહેસાણા જિલ્લાની હોસ્પિટલ્સની રિયાલિટી ચેક કરી હતી. જેમાં અનેક બેદરકારીઓ સામે આવી છે.
કોવિડ-19 માટે કાર્યરત સાંઈ ક્રિષ્ના હોસ્પિટલને સરકાર હસ્તક સંચાલન કરી દર્દીઓને સારવાર કરવામાં આવે છે. મહેસાણાના ફાયર એન્ડ સેફ્ટી ઇન્સ્પેક્ટર પાસેથી મળતી માહિતી મુજબ, આ હોસ્પિટલમાં ફાયર ઈકવિપમેન્ટનું ચેકિંગ કરી ત્રણ વર્ષ અગાઉ NOC આપવામાં આવ્યું હતું. જો કે, ગત 2 વર્ષથી કોઈ પ્રકારનું NOC રિન્યુઅલ કરાયું નથી. જેથી તાજેતરના સમયમાં ફાયર સેફટીના સાધનો કાર્યરત છે કે કેમ, તે અંગે કોઈ ચોક્કસ જાણકારી સામે આવી નથી.
આ ઉપરાંત કડી ખાતે આવેલી સરકારી રેફરલ હોસ્પિટલમાં પણ તપાસ કરતાં ઓફીસ સુપરિટેન્ડન્ટ ભરત નામના વ્યક્તિએ રોકવાનો પ્રયાસ કર્યો. આ હોસ્પિટલમાં પણ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી માત્ર કાગળ પર જ દર્શાવેલા છે. આ ઉપરાંત દીવાલ પર કોઈ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં આવ્યા નથી.
આ અંગે ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીતમાં અધિકારી દ્વારા ફાયર સેફ્ટીમાં સાધનો ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા હોવાનું જણાવી બચાવ કરાયો હતો. જો કે, મહેસાણાની આ હોસ્પિટલ્સમાં પણ અમદાવાદ જેવી આગકાંડની ઘટના બને તો જવાબદાર કોણ???... તે મોટો સવાલ છે.