અહીં આ કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લો કૃષિ ક્ષેત્રે અગ્રેસર બને તે દિશામાં ખેડૂતોએ સહિયારો પ્રયત્ન કરવાનો છે. તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાને કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, ગરીબ કલ્યાણ મેળા જેવા અનેક લોકપયોગી કાર્યક્રમો થકી છેવાડાના માનવીની ચિંતા કરી છે. ગુજરાત આજે દરેક ક્ષેત્રમાં વિકાસનું ગ્રોથ એન્જીન બન્યું છે. સરકારની નિતીઓ અને નિર્ણયો થકી રાજ્યના ખેડૂતો સમૃધ્ધ બન્યા છે.
મહેસાણાના કડીથી નિતીન પટેલની ઉપસ્થિતિમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ નાયબ મુખ્યપ્રધાને વધુમાં આગળ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન એ ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં નિર્ધાર કર્યો છે. છેવાડાના ખેડૂતોનો વિકાસ થાય તે દિશામાં સરકાર દ્વારા કામ થઇ રહ્યું છે. જિલ્લાના ખેડૂતોને ડિસ્ટ્રીક બેન્ક દ્વારા 0 ટકા વ્યાજ ધિરાણ મળી રહ્યું છે. જેનો બહોળો લાભ ખેડૂતો મેળવી રહ્યા છે.
રાજ્યના અસરગ્રસ્ત 45 તાલુકાઓ પૈકી જિલ્લાના મહેસાણા,કડી,બેચરાજી.વડનગર અને વિજાપુરના 1,00,393 ખેડૂતોને 7165.95 લાખની સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત 51 તાલુકાઓ પૈકી ઊંઝા,વિસનગર,ખેરાલું અને જોટાણા તાલુકાના 60,524 ખેડૂતોને 4253.42 લાખની સહાય આપી છે. જિલ્લામાં 1,60,917 ખેડૂતોને 11,419.37 લાખની સહાય આપી છે.જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધી યોજનામાં 139868 ખેડૂતોને રૂ. 2797.36 લાખની સહાયનો લાભ મળ્યો છે.જિલ્લામાં 2018-19માં લઘુત્તમ ટેકાના ભાવે 86243.70 ક્લિન્ટલ મગફળી, 15770.50 રાઇ અને 94.50 ક્વિન્ટલ ચણાની ખરીદી કરાઇ છે. મહેસાણા જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત 28 ખેડૂતોએ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.
નાયબ મુખ્યપ્રધાને ખેડૂત માટેના ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત ચાવડા સવિતાબહેનને રૂ 02 લાખનો સહાય ચેક અર્પણ કર્યો હતો.આ ઉપરાંત રાજ્ય કક્ષાએ સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર 05 (પાંચ) ખેડૂતોને આત્મા યોજના હેઠળ રાજ્ય કક્ષાના 05 ખેડૂતોને અને આત્મા યોજનાના તાલુકા કક્ષાના 04 ખેડૂતોને પ્રશંસાપત્ર, શાલ અને ચેક આપી પુરસ્કૃત કર્યા હતા. આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોએ ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શીત કરી તેમણે અપનાવેલી ખેત પધ્ધતિઓ અને પ્રયોગો અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.આ ઉપરાંત કૃષિ વૈજ્ઞાનિકો સહિત પશુ અધિકારીઓ દ્વારા ખેતી અને પશુપાલનના નવા સંશોધનો અને પ્રધ્ધતિઓથી ખેડૂતોને વાકેફ કર્યા હતા.
મહેસાણા જિલ્લામાં વિસનગર APMC ખાતે, વિજાપુર તમાકુ માર્કેટ યાર્ડ,મહેસાણા ટાઉન હોલ ખાતે, જોટાણા શ્રી રામ સર્વ વિધાલય ખાતે,બેચરાજી તાલુકાનો મોઢેરા આદિત્ય વિધાલય ખાતે,સતલાસણા અર્બુદા માતા મંદિર ખાતે, ઊંઝા વૈજનાથ મહાદેવ ખાતે,વડનગર સાતસો સમાજની વાડી ખાતે અને ખેરાલુંમાં પાર્ટી પ્લોટ ખાતે કૃષિ મહોત્સવનું આયોજન કરાયું હતું.