મહસેણા: સરકાર દ્વારા આયુર્વેદિક પદ્ધતિથી ઉપચાર માટે રાજ્યના 10 ગામની પસંદગી કરી એક વર્ષ સુધી તે ગામોમાં તંદુરસ્ત જીવનશૈલી માટે આયુર્વેદ દ્વારા વિવિધ અભિયાનો ચાલવાવમાં આવશે. જેમાં મહેસાણા જિલ્લાના કાંસા ગામની આયુષગામ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ અભિયાન થકી જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા આગામી 29 ફેબ્રુઆરીના રોજ આયુષગ્રામ પ્રોજેકટનો શુભારંભ કરવામાં આવશે. આ પ્રોજેકટ અંતર્ગત ગામના દરેક ઘરે આયુષ હેલ્થ કાર્ડ આપવાની સાથે આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ થકી તંદુરસ્ત જીવન શૈલી તરફ લઈ જવાનો પ્રયાસ એક વર્ષ સુધી કરવામાં આવશે.
વિસનગરનું કાંસા ગામ જિલ્લાનું પ્રથમ આયુષગ્રામ બનશે - વિસનગરના તાજા સમાચાર
રાજ્યમાં સરકાર દ્વારા 3 જિલ્લામાંથી 10 ગામની આયુષગ્રામ પ્રોજેકટ અંતર્ગત પસંદગી કરવામાં આવી છે. જેમાં મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કાંસા ગામને જિલ્લાનું પ્રથમ આયુષગ્રામ બનાવવામાં આવશે.
આયુષગ્રામ પ્રોજેકટ અંતર્ગત કાંસા ગામના સરપંચ સાથે MOU કરી આયુષ હેલ્થ કાર્ડ આપી પ્રત્યેક નગરિકની આશા વર્કરો અને મેડિકલ ટિમ દ્વારા મેડિકલ તપાસ કરવામાં આવશે. જેમાં જે-તે ગ્રામજનની આરોગ્ય લક્ષી ઉણપ મુજબ કિટનું વિતરણ કરવામાં આવશે. આ અભિયાનમાં ગામ લોકો જોડાય તે માટે ઉદ્ઘાટન પહેલા એક જન-જાગૃતિ રેલી કાઢીને આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર માટે રેલી યોજવામાં આવશે. જે બાદ અભિયાનની શરૂઆત કરતાં આયુર્વેદ વિભાગ દ્વારા ગામ લોકોને ઘરેલુ આયુર્વેદિક ઉપચાર અને સરકારના આ પ્રોજેકટ અંગે માહિતગાર કરવામાં આવશે.
એક વર્ષ સુધી કાંસા ગામે ચાલનારા આ પ્રોજેકટમાં ગામ લોકોને ઋતુજન્ય રોગોથી બચવા ઘર આંગણે ઉછેરી ઉપયોગમાં લઇ શકાય તેવા આયુર્વેદિક વનસ્પતિના છોડ નિઃશુલ્ક આપવામાં આવશે. આ સાથે જ સગર્ભા મહિલાઓને પ્રશિક્ષણ આપી ગર્ભ સંસ્કારનું સિંચન અને સ્વસ્થ આયુષની ચાવી જેને કહેવાય છે તેવી યોગ ક્રિયા માટે યોગ કેન્દ્રની પણ શરૂઆત કરાશે. આ ઉપરાંત પ્રોજેક્ટ થકી ખેડૂતો આયુર્વેદિક ઔષધિઓની વાવણી કરી અને સમૃદ્ધ બને તેવો ખાસ પ્રયાસો કરવામાં આવશે.