મહેસાણાઃ કડી પોલીસ દ્વારા જુદા-જુદા ગુનાઓમાં બુટલેગરો પાસેથી કબ્જે લેવામાં આવેલા વિદેશી દારૂનો જથ્થો પોલીસ ક્વાટર્સના રૂમમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. લોકડાઉનના સમયગાળામાં કડી પોલીસ મથકના કેટલાંક કર્મીઓ દ્વારા દારૂનો જથ્થો સગેવગે કરી વેચતા હોવાની ઘટના બહાર આવી હતી.
આ ઘટનામાં તત્કાલીન PI, 2 PSI સહિત 9 પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં હેડ કૉન્સ્ટેબલ હિતેશ પટેલ અને GRD ચિરાગ પ્રજાપતિની ધરપકડ કરાઇ હતી અને દારૂકાંડમાં સંડોવાયેલા PSI બારાની તપાસકર્તા ટીમ દ્વારા તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી. જેમાં PSI બારા દ્વારા નર્મદા કેનાલમાં ફેંકવામાં આવેલા દારૂની વિગતો તપાસકર્તા ટીમને મળતા ગાંધીનગર DySPની અધ્યક્ષતામાં SITની ટીમે તરવૈયાની મદદથી નરસિંહપુરા કેનાલમાંથી 2 દિવસમાં વધુ 457 બોટલો કાઢી હતી.
દારૂકાંડમાં સંડોવાયેલા PSI બારાના રિમાન્ડ દરમિયાન બારાએ કેનાલમાં કઇ જગ્યાએ દારૂનો જથ્થો નાખ્યો છે, તેનો ભાંડો ફોડી દીધો હતો. જેથી SITની ટીમે તાત્કાલિક તરવૈયાની મદદથી બે દિવસ કેનાલમાં સર્ચ ઓપરેશન કરી નર્મદા કેનાલમાંથી નાની મોટી અને વિવિધ બ્રાન્ડની વધુ 457 બોટલો બહાર કાઢી કબ્જે કરી હતી અને હજુ વધુ બોટલોની શોધખોળ ચાલુ રાખી હતી.