- પાસપોર્ટ મેળવવા માટે ખોટો જન્મ દાખલો બતાવ્યો
- પોસપોર્ટ ઓફિસમાં ભાંડો ફુટ્યો
- એજન્ટ સામે પોલીસે હાથ ધરી કાર્યવાહી
મહેસાણા: જિલ્લામાં અનેક એવા લોકો છે જેઓ વિદેશ ગમન માટે પ્રયાસ કરતા હોય છે અને વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટ જરૂરી હોય છે ત્યારે પાસપોર્ટ માટે એજન્ટોની માયાજાળ ખૂબ મોટી માત્રામાં પથરાયેલી છે. ગુરુવારે અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસરને એક જ વ્યક્તિના જન્મના બે પ્રમાણપત્રો સામે આવતા મહેસાણા DSPને તપાસ માટે જાણ કરી હતી, જેની તપાસ મહેસાણા SOGની ટિમ દ્વારા કરવામાં આવતા વિજાપુરના ફલૂ ગામના દશરથ પટેલ નામના વ્યક્તિએ પોતાની દીકરી હિના જ્યારે 16 વર્ષની હતી ત્યારે વડોદરા જિલ્લાના ભાવદર ગામની ગ્રામપંચાયતનો જન્મનો દાખલો મૂકી દીકરીનો પાસપોર્ટ કઢાવ્યો હતો, જોકે તેમની દીકરી હિનાએ જન્મનું સ્થળની પુષ્ટી માટે ફલૂ ગ્રામ પંચાયત થકી આપવામાં આવેલો જન્મનો દાખલો રજૂ કર્યો હતો. એક જ વ્યક્તિના બે જન્મના દાખલ જોતા પાસપોર્ટ અધિકારીએ આપેલી તપાસમાં મહેસાણા SOGની ટીમે ફલૂ ગ્રામપંચાયતનો સંપર્ક કર્યો હતો. તપાસ કરતા ફલૂ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ જન્મનું પ્રમાણપત્ર સાચું હોવાનું અને વડોદરાના ભાવદર ગ્રામ પંચાયતમાં કોઈ એન્ટ્રી ન મળતા તે કચેરીના નામનું ખોટું જન્મ પ્રમાણપત્ર હોવાનું બહાર આવ્યું હતું.