મહેસાણા નજીક આવેલ છઠીયારડા ગામે રૂપેણ નદીના પુલ નીચેથી ત્રણ દિવસ અગાઉ એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના શરીર પર ઘાતકી ઈજાઓ જોતાં પોલીસને હત્યા થઇ હોવાની શંકા હતી. મૃતકનું પેનલ પોસમોર્ટમ કરાવી ઘટનાનો ચિતાર મેળવવા સઘન તપાસ ધરી હતી.
ગણતરીના દિવસોમાં મહેસાણા LCBની ટીમે મૃતકે પહેરેલ વસ્ત્ર પરથી મળેલા ટેલરના મોબાઈલ નંબર આધારે સમગ્ર ઘટનાની હકીકત સુધી પહોંચ્યા હતા. જેમાં ટેલરે મૃતક એક ટ્રક ડ્રાઇવર હોવાનું સ્પષ્ટ થતાં ટ્રક ડ્રાઇવર ક્યાં ગયો હતો, ક્યાંનો હતો ? વગેરે તપાસ કરાઇ હતી. જેમાં ડ્રાઇવર મહેસાણા નજીક ધીણોજ ગામે આવેલ મહાદેવ હોટલ પર રાત્રી રોકાણ માટે ગયો હતો. ત્યાં હોટલ મલિક અને તેના મળતીયાઓએ ડ્રાઇવરને સૂતાં જોઇને ટ્રકમાં રહેલા માલની ચોરી કરવા ગયા હતા. અચાનક ડ્રાવઇરની આંખ ખૂલતાં તે ટ્રક પાસે ગયો ત્યારે તેણે હોટલના માલિકને ચોરી કરતાં જોયા. એટલે ડ્રાઇવરે બુમાબુમ કરતાં ગભરાઈ ગયેલા ચોર અને હોટલ માલિકે ભેગા મળી ટ્રક ડ્રાઇવરને માથામાં લોખંડની ટોમીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.