- પામોલિન તેલના ડબ્બા ભરવાની ફેકટરીમાં નકલી GST ટીમના દરોડા
- ફેકટરી માલિકે ઓળખપત્ર માંગતા ઠગબાજો ભાગ્યા
- માલિકે કડી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
- નકલી GST ટીમ ફેકટરીના CCTVમાં કેદ થઈ
મહેસાણા:જિલ્લામાં આવેલ કડી પંથકમાં દિન-પ્રતિદિન ગુનાહિત કૃત્યો વધી રહ્યા છે, ત્યારે તાજેતરમાં કડીના એક ફેકટરી માલિક નકલી GST અધકારીઓ કાવતરામાં સપડતા 1.83 લાખ જેટલી રકમ ગુમાવી છે. જોકે ઘટના બાદ કડી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા 5 નકલી GST ઈન્કમટેક્સના ટીમના ઠગબાજો સામે ફરિયાદ નોંધાઈ છે.
ફેકટરી માલિક હાજર ન હોઈ કારીગરોને ધમકાવી 1.83 લાખ ખંખેર્યા
કડી બુડાસન GIDCમાં આવેલ એન.જે પ્રોટીન નામની પામોલિન તેલના ડબ્બા ભરવાની ફેકટરીમાં બપોરના સુમારે એક મહિલા અને તેની સાથે બે માણસોએ આવી ફેકટરીના કર્મચારીઓને પોતે GST ઈન્કમટેક્સના અધિકારીઓ હોવાની ઓળખ આપી મોબાઈલ ફોન પડાવી લઈ ફેક્ટરીની ઓફીમાં પડેલી ફાઈલો ઉઠાવી લીધી હતી. જે બાદ ખોટા કેસોમાં ફસાવી દેવાનું કહી ફેકટરીના લોકરમાં પડેલ 1.83 લાખ જેટલી રકમ લઈ ફેકટરીમાં વધુ તપાસ હાથ ધરી હતી. જોકે તે દરમિયાન ટેમ્પો ડ્રાઇવરે ફેકટરી માલિકને ફોન કરી બોલાવી લેતા ફેકટરી માલિક જાતિનભાઈ પટેલે નકલી GST ટીમના માણસોને કાર્યવાહી કરતા રોકી ઓળખપત્રો માંગેલા ત્યારે ત્રણેય શખ્સો ફાઈલો ઓફિસમાં મૂકી ઓળખપત્રો ગાડીમાં પડ્યા હોવાનું કહી 1.83 લાખ રોકડ લઈ ફેકટરી માલિકને ચકમો આપી ભાગી છૂટ્યા હતા.