અમેરિકા ઘૂસણખોરી કરતા મહેસાણાના એક જ પરિવારના ચાર લોકોના મોત મહેસાણા: ગેરકાયદેર રીતે અમેરિકા લઈ જવાના કાળા કારોબારમાં વધુ એક પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યો છે. મહેસાણાના ડીંગુંચા ગામનો એક પરિવાર અગાઉ અમેરિકા ઘૂસણખોરી કરતા રસ્તામાં માઇન્સ ટેમ્પરેચરમાં ફસાઈ જતા મોતને ભેટ્યો હતો.
એક જ પરિવારના ચાર સભ્યોના મોત:વિજાપુર તાલુકાના માણેકપુરા ગામના ચૌધરી પરિવારના ચાર સભ્યો અમેરિકા જવા કેનેડાથી બોટમાં બેઠા હતા. ત્યાં રસ્તામાં બોટ પલ્ટી ખાઈ જતા બોટમાં સવાર 8 લોકોના મોત નિપજ્યાં હતા. જેમાં ખેતીનો વ્યવસાય કરતા ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઈ(50), તેમની પત્ની ચૌધરી દક્ષાબેન (45), દીકરી ચૌધરી વિધિબેન (23) અને દીકરો ચૌધરી મિતકુમાર (20) ના મોત થયા છે.
આ પણ વાંચો:AIIMS Rajkot: નકલી ડોક્યુમેન્ટના સહારે યુવતી કરવા ગઈ હતી નોકરી, ભયંકર રીતે ભાંડો ફૂટ્યો
બોટ પલટી મારતાં મોત:માણેકપુરાનો ખેડૂત પરિવાર બે માસ અગાઉ વિઝીટર વિઝા લઇ કેનેડા ગયા હતા. જ્યાંથી મળતી માહિતી પ્રમાણે ખાનગી રાહે તેઓ અમેરિકા ઘુસવા જતા એજન્ટના પ્લાન મુજબ બોટમાં બેઠા હતા. આ પરિવાર દ્વારા બોટ મારફતે સેન્ટ લોરેન્સ નદી પાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ખરાબ હવામાનના કારણે ગંભીર પરિણામ આવ્યું હતું. બોટમાં બેસી અમેરિકા ગેરકાયદેસર ઘૂસતા બોટ પલટી મારતા કુલ 8 લોકો ડૂબી ગયા હતા.જેમાં માણેકપુરના ચૌધરી પરિવારના આ ચાર સભ્યો પણ ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું.
ચૌધરી સમાજમાં શોકનો માહોલ 2 મહિના પહેલા ગયા હતા કેનેડા: મૃતકના ભાઈ જસુભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે પ્રવીણભાઈ અહીં ખેતીકામ કરતા હતા અને 2 મહિના પહેલા કેનેડા તેઓ ફરવા માટે ગયા હતા. ભાઈ પાસે કેનેડા ફરવા જવાના વિઝા હતા તે અંગે તેમણે અમને જાણ કરી હતી. તેઓ કેનેડામાં હતા ત્યારે પણ અમારી સાથે વાત થતી હતી. પ્રવીણભાઈ અમેરિકામાં ઘૂસણખોરી કરવા જઈ રહ્યા હતા. તે અંગે અમને કઈ જાણ નથી. મીડિયા દ્વારા અમને તેમના મોતની જાણ થઈ છે.
આ પણ વાંચો:Surat Crime : ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશથી ભારતમાં ભીખ માંગવા આવેલી મહિલા ઝડપાઈ
ચૌધરી સમાજમાં શોકનો માહોલ: કેનેડા ફરવા ગયા બાદ માણેકપુરના પરિવાર સાથે બનેલી અણધારી ઘટનામાં એક પરિવારના ચાર સભ્યોના મોત થયાના સમાચાર મળતા માણેકપુરા ગામ સહિત ચૌધરી સમાજમાં માતમનો માહોલ છવાઈ ગયો હતો. ત્યાં મૃતકોના મૃતદેહ અંતિમક્રિયા માટે વતનમાં લાવવામાં આવે તેવી પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.