- વડનગર ખાતે સીએમ રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલ દ્વારા તાના-રીરી મહોત્સવનો ઇ-શુભારંભ
- નરસિંહ મહેતાના પુત્રી કુંવરબાઇના પૌત્રી હતા તાના-રીરી
- અનુરાધા પૌડવાલ, વર્ષા ત્રિવેદીને અપાયો તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ
- વડનગર ખાતે તાના-રીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજનું ઇ-લોકાર્પણ કરાયું
વડનગર(મહેસાણા): ઇન્ફાસ્ટ્રકચર અને એગ્રીકલ્ચર ક્ષેત્રની જેમ ગુજરાત રાજ્યમાં કલા-સંગીત ક્ષેત્રે પણ લોકો અગ્રેસર રહે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2003થી તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગુરૂવારે તાના-રીરી કાર્યક્રમનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે ગાંધીનગરથી ડિજીટલી આરંભ કરાવ્યો હતો. આ અંગે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે કલા, સંગીત ગુજરાતને ધબકતું રાખે છે, આથી જ રાજ્ય સરકાર દ્વારા સોમનાથ મહોત્સવ, ડાકોર મહોત્સવ, અંબાજી મહોત્સવ, ઉત્તરાર્ધ મહોત્સવ જેવા અનેક પ્રાન્ત અનુસારના સાંસ્કૃતિક મહોત્સવોનું આયોજન કરવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે રાજ્યમાં ખેલ મહાકુંભની સાથે સાથે કલા-સંગીત ક્ષેત્રે નવયુવાનોમાં પડેલી સુશુપ્ત શક્તિઓને બહાર લાવવા રાજ્યભરમાં કલા- મહાકુંભનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત રાજ્ય સરકારની સંગીત નાટ્ય અકાદમી દ્વારા રોકડ અને તામ્રપત્ર આપીને કલાકારોનું સન્માન પણ કરવામાં આવે છે. સીએમ રૂપાણી અને ડે.સીએમ નિતિન પટેલ દ્વારા વડનગર ખાતે તાના-રીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજનું ઇ-લોકાર્પણ પણ કરાયું હતું.
તાના-રીરીએ છેડ્યો હતો મલ્હાર રાગ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાના-રીરી મહોત્સવ યોજવા પાછળની ઐતિહાસિક વાત કરી હતી કે નરસિંહ મહેતાની દિકરી કુંવરબાઇની પૌત્રી તાના-રીરીએ મલ્હાર રાગ છેડી સંગીતસમ્રાટ તાનસેનની દાહ અગ્નિને ઠારી હતી. આ બંન્ને બહેનો ગુજરાતનું વિશેષ ગૌરવ છે, તેથી જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2003માં તાના-રીરી મહોત્સવનો આરંભ કરાવ્યો હતો અને આજે પણ આ મહોત્સવની પરંપરાને આપણે જાળવી રાખી છે. વર્ષ 2010માં તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ લતા અને ઉષા મંગેશ્કરને અપાયો હતો. આ સન્માન દર વર્ષે ખ્યાતનામ કલાકારોને આપવામાં આવે છે તેમ આ વર્ષે પણ આ એવોર્ડ અનુરાધા પૌડવાલ અને વર્ષાબેન ત્રિવેદીને અપાયો છે તે બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ એવોર્ડમાં રૂ. 2.05 લાખ, તામ્રપત્ર અને શાલ એનાયત કરવામાં આવે છે.
તાના-રીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજનું ઇ-લોકાર્પણ
સંગીતના તજજ્ઞો માટે તાના-રીરી પ્રેરણા સ્ત્રોત છે તેમ જણાવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તાના-રીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ વડનગર ખાતે ડિપ્લોમા અનુસ્નાતક કક્ષાના નૃત્ય વિભાગમાં ભરત નાટ્યમ, કથ્થક અને વાદ્યગાયન વિભાગમાં હાર્મોનિયમ, ગિટાર, તબલા, વાસંળીવાદન, વાયોલીન, કી-બોર્ડના અને શાસ્ત્રીય ગાયનના અભ્યાસક્રમો શરૂ થનાર છે.