મહેસાણાઃ કોરોના વાઇરસને લઈને મહેસાણા જિલ્લામાં ગંગા સ્વરૂપ બહેનોની જરૂરીયાતને ધ્યાને રાખી એક વિશિષ્ટ પગલું હાથ ધરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લા પોસ્ટ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજના અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતા ધરાવતી વિધવા બહેનોને માસિક મળવા પાત્ર સહાય પોસ્ટમેન કે, ડાકસેવક મારફતે ઘરે-ઘરે જઈને રોકડ પહોંચાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ પોસ્ટ ઓફિસમાં 14,584 જેટલા લાભાર્થીઓ નોંધાયેલા છે. જયારે પોસ્ટ રેલવેના 1498 નિવૃત્ત પેન્શનરો નોંધાયેલા છે. 400થી વધુ ગ્રામીણ ડાક સેવકો તેમજ શહેરના 100 પોસ્ટમેન આ સેવાનું ભગીરથ કાર્ય કરી 14,584માંથી 13,185 લાભાર્થીઓને તેમના ઘરે જઈને આ સહાય પૂરી પાડી છે.
કોરોના મહામારીના પગલે ગંગા સ્વરૂપ બહેનોને મળી આર્થિક સહાય
રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપ વિધવા સહાય પેન્શન યોજના અંતર્ગત બહેનોના ખાતામાં દર મહિને 1250 રુપિયાનું પેન્શન આપવામાં આવે છે. સરકારે કોવિડ-19ને પગલે એડવાન્સ પેન્શન સહિત 1000 રુપિયા બે હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. આ મહિલાઓની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને પોસ્ટ વિભાગ દ્વારા મહિલાઓને પોસ્ટ કચેરી સુધી ન આવવું પડે તે માટે તેમના ઘરે જઇને પેન્શન આપવનો સંવદેનશીલ અભિગમ અપનાવ્યો છે.
ઉપરાંત કોવિડ-19ના પ્રકોપને કારણે બે હપ્તામાં 1000 રૂપિયાની સહાય સરકાર દ્વારા અલગથી કરવામાં આવી છે, જે બહેનોના ખાતામાં ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર દ્વારા બહેનોના ખાતામાં જમા થઇ રહ્યા છે. આ વધારાની રકમ પણ બહેનોને હાથો-હાથ ઘરે મળી જાય તેવી વ્યવસ્થા પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. વધુમાં મેડીસીન ટપાલ બુકનું પણ આ 4 મુખ્ય પોસ્ટ ઓફિસમાં બુકિંગ કરવામાં આવતું અને અમદાવાદથી જથ્થો આવે તે મુજબ તેનું વિતરણ પણ ઘરે-ઘરે જઈને કરવામાં આવ્યું છે. આમ, ભારતીય પોસ્ટ વિભાગ બહેનોની આર્થિક ચિંતા દુર કરવા નિરંતર પગલા લેવામાં આવ્યા છે.