- મહેસાણા નગરપાલિકાનું પાંચ વર્ષનું પંચનામું
- મહેસાણા પાલિકાને પાંચ વર્ષમાં પાંચ પ્રમુખ મળ્યાં
- રાજકીય પક્ષોના રાજકારણમાં જનતાના સુખ-સિવિધાઓના સપનાઓ અધૂરા રહ્યા
મહેસાણાઃ જિલ્લામાં મહેસાણા, વિસનગર, કડી અને ઊંઝા નગરપાલિકાની આગામી 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. વર્ષ 2015માં પાટીદાર આંદોલનના કારણે ચૂંટણી પરિણામમાં ભાજપને મહેસાણા, વિસનગર અને ઊંઝા નગરપાલિકામાં સત્તા મળી ન હતી. જોકે, કાવાદાવા વચ્ચે મુદ્દત પુરી થતાં પહેલાં ભાજપે મહેસાણા અને વિસનગર પાલિકા પોતાના હસ્તક કરી હતી. ઉલ્લેખનીય છે કે, 2015માં 4 પાલિકાના કુલ 38 વૉર્ડના 152 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં 70 બેઠકો પર કોંગ્રેસ, 50 બેઠકો પર ભાજપ અને 52 બેઠકો પર અપક્ષ જીતી હતી.
મહેસાણા પાલિકામાં 5 વર્ષમાં 5 પ્રમુખ બદલાયા, 6 કોંગ્રેસીએ પક્ષ પલટો કર્યો
44 બેઠકો ધરાવતી મહેસાણા પાલિકામાં 2015માં કોંગ્રેસે 29 બેઠકો મેળવી સત્તા પર આવી હતી. ત્યારે ભાજપને 15 બેઠક મળી હતી. છેલ્લા 5 વર્ષમાં સત્તાની ખેચતાણ વચ્ચે 5 પ્રમુખો બદલાયા હતા. 13 કોંગી કોર્પોરેટરો ભાજપને મદદ કરી ફરી કોંગ્રેસમાં આવ્યાં હતા. જોકે, છેલ્લે છેલ્લે 6 કોંગી કોર્પોરેટરોએ ભાજપનો ખેસ પહેરી લેતાં ભાજપ સત્તા પર આવી હતી.
પાટીદાર આંદોલન સમયે નગરજનોમાં ભાજપ પ્રત્યે નારાજગી વ્યાપી હતી
મહેસાણા નગરપાલિકામાં પાટીદાર આંદોલન સમયે નગરજનોમાં ભાજપ પ્રત્યે નારાજગી વ્યાપી હતી, જેને પગલે કોંગ્રેસે આ મોકો જોઈ ચોકો મારતા મહેસાણા પાલિકાનું શાસન કબ્જે કર્યું હતું. જોકે, ભજપે પણ પોતાના પ્રયત્નોથી કોંગ્રેસના શાસનને ખંખેરવામાં કોઈ કચાસ છોડી ન હતી. ત્યારે કોંગ્રેસ માટે વિરોધ પક્ષ ભાજપના નગરસેવકો અને પોતાના જ કોંગ્રેસી નગર સેવકો પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વિરોધ પર ઉતરી આવતા કોંગ્રેસ ગટર, પાણી, લાઈટ સિવાય કોઈ ખાસ કામ કરી શકી ન હતી. તો કોંગ્રેસના શાસનમાં તેમના પ્રમુખ સામે સતત અવિશ્વાસની દરખાસ્તો પડવા લાગી, જેમાં કોંગ્રેસે પાલિકાને પાંચ વર્ષમાં પાંચ પ્રમુખ આપ્યા બીજું કંઈ ખાસ આપ્યું નથી. જે કદાચ મહેસાણા પાલિકાના ઇતિહાસમાં પહેલી ઘટના નોંધાઈ છે.