મહેસાણાઃ દૂધ સાગર ડેરીમાં ઘીમાં ભેળસેળનો મામલો હાલ ચર્ચામાં છે. આ ઉપરાંત ડેરીના તત્કાલીન MD અને વાઇસ ચેરમેન સહિત લેબ ટેક્નિશિયન મહેસાણા સબ જેલમાં બંધ છે. શંકાસ્પદ ઘી મામલે ખોરાક અને ઔષધ વિભાગ દ્વારા લેવામાં આવેલા તમામ 147 ઘીના નમૂનાનો પરીક્ષણ રિપોર્ટ ક્ષતિયુક્ત આવ્યો છે. જે જોતા દૂધ સાગર ડેરીના ઘીમાં ભેળસેળ હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે.
હજુ પણ ડેરી સત્તાધીશો દ્વારા પુનઃ પરીક્ષણ માટેની તક રહેલી છે. પરંતુ મહત્વનું છે કે, ડેરી ઉપરાંત ઘીના બે ટેન્કર રસ્તા પરથી ઝડપી લઈ અંદર રહેલા ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. તંત્રની શંકા પર લેબોરેટરી રિપોર્ટ મ્હોર મારતા આજે રિપોર્ટ આધારે ઘીમાં ભેળસેળ હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. તો ડેરીમાં અને ટેન્કરના ભેળસેળની શંકાવાળા 600 મેટ્રિક ટન જેટલો ઘીનો જથ્થો તંત્ર દ્વારા સિઝ કરવામાં આવેલો છે. જે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં થાય તે પહેલાં અટક્યો છે.