- દ્રષ્ટિ ચૌધરી નામની મહેસાણાની સ્પર્ધકે મેળવ્યો દ્વિતીય ક્રમ
- 19માં નેશનલ ફેડરેશન કપ જુનિયર અંડર 20 એથ્લેન્ટિક ચેમ્પિયન શિપમાં વિજેતા
- દૂધ સાગર ડેરી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી
મહેસાણા:હરદેસણ ગામે ગ્રામ્ય વાતાવરણ વચ્ચે એક ખેડૂત પરિવારમાં ઉછરેલી 19 વર્ષીય દ્રષ્ટિ ચૌધરી નામની દીકરીએ પોતાનામાં રહેલી આગવી શક્તિના આધારે ગામના શિક્ષકોનું માર્ગદર્શન મેળવી દોડની નાની મોટી સ્પર્ધામાં ભાગ લઈ આજે મહેસાણા સહિત રાજ્યને ગૌરવ અપાવે તેવી સિદ્ધિ હાંસલ કરી બતાવી છે. દ્રષ્ટિ પોતાની 14 વર્ષની ઉંમરથી રમતની સ્પર્ધામાં ભાગ લેતી હતી. તેણે અગાઉ ખેલો ઇન્ડિયા અંતર્ગત આસામ, ભોપાલ, પુણે, તામિલનાડુ અને ગોવા સહિતના સ્થળે યોજાયેલી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. દ્રષ્ટિએ અત્યાર સુધી પોતાની રમતમાં લગભગ 50 જેટલા સર્ટીફીકેટ મેળવ્યા છે.
પંજાબમાં મેળવી દ્રષ્ટિએ સફળતા
તાજેતરમાં પંજાબના સંગ્રુર ખાતે યોજાયેલી 19માં નેશનલ ફેડરેશન કપ જુનિયર અંડર 20 એથ્લેન્ટિક ચેમ્પિયન શિપમાં 5,000 મીટરની જુનિયર ગર્લ કેટેગરીમાં 17 મિનિટ 06 સેકન્ડના સમયમાં 5,000 મીટર દોડ પૂર્ણ કરી દ્રષ્ટિ ચૌધરીએ ફાઇનલમાં 4 સ્પર્ધકો વચ્ચે પોતાનું આગવું કૌશલ્ય અને શક્તિ પ્રદર્શન કરી દ્વિતીય ક્રમે આવતા સિલ્વર મેડલ મેળવ્યું છે. દ્રષ્ટિએ અત્યાર સુધી અલગ અલગ કેટેગરીમાં 3 જેટલા સિલ્વર મેડલ મેળવ્યા છે અને આજે પંજાબ ખાતે વધુ એક સિલ્વર મેડલ મેળવતા મહેસાણા અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.