મહેસાણાઃ જિલ્લામાં કડી ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કલોલ રોડથી કડી તાલુકા સેવાસદનને જોડતાં રોડ પર નિર્મિત અન્ડરબ્રિજ, શહેરી પ્રાથમિક આરોગ્યકેન્દ્ર અને રૂપિયા 4.25 કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું હતું.
કડી ખાતે નાયબ મુખ્યપ્રધાનના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ કરાયું કલોલ રોડથી કડી તાલુકાસેવાસદનને જોડતાં રોડ પર નિર્મિત અન્ડરબ્રિજ બનાવવાથી રીંગ રોડ પર અન્ડર પાસ બનાવવાથી કડી-થોળ રસ્તા પરનું ટ્રાફિકનું ભારણ હળવું થશે. આ અન્ડરબ્રિજ રૂપિયા 20 કરોડના ખર્ચે તૈયાર થયો છે.
આ ઉપરાંત કડીમાં ગરીબ લોકોને સારવાર આપવા માટે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. આ સાથે જ કડી તાલુકામાં મેડા આદરજ, બોરીસણા, રંગપુરડા, વેકરા, જાદવપુરા, મહારાજપુરા, આદુંદરા અને નારાયણ ગ્રામ પંચાયતના નવિન મકાનને મંજૂરી મળતાં દરેક પંચાયત માટે 14 લાખની જોગવાઇ કરવામાં આવી છે અને આ ગ્રામ પંચાયતોનું બાંધકામ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. જેની પાછળ 112 લાખનો ખર્ચ થયો છે. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સૈપ્રથમ ઇ-શિક્ષા જ્યોત ડિજિટલ મેગેઝિન શરૂ કરવામાં આવ્યું છે. જેથી બાળકો ઘરે બેઠા શિક્ષણ મેળવી શકશે.
આ પ્રસંગ ધારાસભ્ય કરશન સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, સ્થાનીય પ્રાંત અધિકારી કેતકી વ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.