TDS મામલે રજુઆત કરવા ઊંઝા માર્કેટયાર્ડથી ડેલીગેશન દિલ્હી પહોંચ્યું - mehsana news
મહેસાણા: સરકાર દ્વારા નાણાકીય વ્યવહાર પર 2 ટકા જેટલો TDS લગાવવામાં આવતા TDSથી નારાજ વેપારીઓ દ્વારા મહેસાણા સહિત રાજયનાં અનેક ખેતીવાડી બજારો છેલ્લા 4 દિવસથી બંધ રાખવામાં આવ્યા છે. જેને પગલે કરોડોનું ટર્નઓવર અટકી પડ્યું છે. TDS મામલે રજુઆત કરવા ઊંઝા માર્કેટયાર્ડથી ડેલીગેશન દિલ્હીમાં પહોંચ્યું હતું.
દેશનાં અર્થતંત્રની સાથે કૃષિ સાથે જોડાયેલા ખેડૂતો અને માર્કેટયાર્ડમાં આવતા મજૂરોની અર્થવ્યવસ્થા પર અસર પડી રહી છે. સરકાર દ્વારા નાણાકીય વ્યવહારમાં 2 ટકા TDS લગાવવા મામલે નારાજગી જતાવી સતત 4 દિવસથી માર્કેટયાર્ડ બંધ રાખી વેપારીઓ વડાપ્રધાનને મળવા દિલ્લી પહોંચ્યા હતા.
દિલ્લી પહોંચેલા ઊંઝા માર્કેટયાર્ડનાં ચેરમેન, વાઈસ ચેરમેન અને વેપારી મંડળનાં આગેવાનોને વડાપ્રધાનની મુલાકાત થઈ શકી નથી. પરંતુ, ઊંઝાના સ્થાનિક ધારાસભ્ય સાથે રહી ઊંઝાથી દિલ્લી ગયેલા ડેલીગેશને TDS મામલે કેન્દ્રીય નાણાપ્રધાન સાથે મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે, TDSએ નાણાકીય વ્યવહારોની પારદર્શકતા લાવવા વ્યવસ્થાનાં ભાગરૂપે સરકારનો પ્રયાસ રહ્યો છે.