- વિસનગર પાલડી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ-મંત્રી સામે ફરિયાદ નોંધાઇ
- ખોટા દસ્તાવેજો ઉભા કરી ખરા તરીકે ઉપયોગ કરાતા નોંધાઇ ફરિયાદ
- મંડળીની ઠરાવ બુકના પેજ સાથે ચેડાં દર્શાવી ગુનો આચર્યો હોવાનો આરોપ
- ફરિયાદ આધારે વિસનગર શહેર પોલીસે કાર્યવાહી હાથ ધરી
ડેરીની ચૂંટણીમાં મતદાર યાદીમાંથી નામ દૂર કરવા ખોટું રેકર્ડ રજૂ કરનારા 3 સામે ફરિયાદ
મહેસાણાઃ દૂધસાગર ડેરીની ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદીની વાંધા અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમયે અપાયેલા વાંધા અરજીમાં ઠરાવ બુકમાં ખાલી રહેલી જગ્યામાં કો-ઓપ્ટ સભ્ય લખી બુક સાથે ચેડાં કરી તેને સાચા દસ્તાવેજ તરીકે રજૂ કરાયાની રાલીસણા દૂધ મંડળીના સભ્યએ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેથી આ ફરિયાદના આધારે પોલીસે પાલડી દૂધ મંડળીના પ્રમુખ, મંત્રી અને રાલીસણા દૂધ મંડળીના પ્રતિનિધિ સામે ગુનો દાખલ કર્યો છે.
ડેરીની ચૂંટણીમાં મતદાર યાદીમાંથી નામ દૂર કરવા ખોટું રેકર્ડ રજૂ કરનારા 3 સામે ફરિયાદ પાલડી દૂધ મંડળીના પ્રમુખ, મંત્રી અને રાલીસણાના શખ્સ સામે ગુનો
દૂધસાગર ડેરીની ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરાઇ હતી. જેમાં ચૂંટણી અધિકારી વિસનગર નાયબ કલેક્ટર કચેરીએ રાલીસણા દૂધ મંડળીના સભ્ય લક્ષ્મણ પટેલ સામે પાલડી દૂધ મંડળીના પ્રમુખ ચૌધરી ગોવિંદ, મંત્રી ચૌધરી વિષ્ણુ અને રાલીસણા દૂધ મંડળીના પ્રતિનિધિ પટેલ જીતેન્દ્રએ લેખિતમાં વાંધો આપ્યો હતો. જેની સુનાવણી દરમિયાન ઠરાવ નં.5 વિષયમાં વ્ય.કમિટીમાં નવીન સભ્યની નિમણૂક કરવા બાબત અને ઠરાવની વિગતમાં રાલીસણા દૂધ મંડળીમાં વ્ય.ક.માં એક જગ્યા ખાલી પડેલી હોવાથી તેમની જગ્યાએ પટેલ લક્ષ્મણભાની પ્રમુખ સ્થાનેથી નિમણૂક કરવા સર્વાનુમતે ઠરાવવાનું લખાણ કરેવામાં આવ્યું હતું. જેમાં પાછળથી કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક કરવાના લખાણની નકલ રજૂ કરાઇ હતી. જેમાં રાલીસણા દૂધ મંડળીના મંત્રી પટેલ શંકર કાળીદાસે વાંધા અરજીમાં સહી કરી ન હોવાથી મંડળીના લેટરપેડનો ખોટો ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી લક્ષ્મણ પટેલે વિસનગર પોલીસ મથકે પાલડી દૂધ મંડળીના પ્રમુખ ગોવિંદ ચૌધરી, મંત્રી વિષ્ણુ ચૌધરી અને રાલીસણા દૂધ મંડળીના પ્રતિનિધિ જીતેન્દ્રકુમાર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.