વિસનગરમાં વેવાણના ત્રાસથી વેવાઈએ જીવન ટૂંકાવ્યું, FSL રિપોર્ટ આવતા 3 માસે ફરિયાદ નોંધાઇ
સામાન્ય રીતે દીકરા દીકરીના લગ્ન પછી પરિવાર હેતભર્યા સંબંધોથી બંધાતો હોય છે, પરંતુ વિસનગરની કરશનનગર સોસાયટીમાં રહેતા એક પટેલ પરિવારમાં દીકરાના લગ્ન થયાને ગણતરીના દિવસોમાં પરિવારમાંથી ખુસીઓના રંગ ઉડી ગયા છે જેમાં પુત્રવધુ અને વેવાણે પરિવારમાં એવી આગ લગાવી કે આ પટેલ પરિવારના મોભી ડાહ્યાભાઈને જીવન ટૂંકાવવું પડ્યું હતું. જોકે સમગ્ર ઘટનામાં ડાહ્યાભાહાઈની સ્યુસાઈડ નોટ ખરી હોવાનો FSL રિપોર્ટ આવતા હવે પુત્રવધુ, વેવાણ અને પુત્રવધુના મામા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઇ છે.
મહેસાણા: તાજેતરમાં સુરતમાં એક વેવાઈ વેવાણની પ્રેમલીલા સામે આવી હતી, ત્યારે હાલમાં વેવાઈ સાથે વેવાણની દુશ્મનાવટનો કિસ્સો પણ વિસનગરની કરશનનગર સોસાયટીમાંથી સામે આવ્યો છે. જ્યાં દીકરાના લગ્ન બાદ છુટાછેડા માટે પુત્રવધુ અને વેવાણ સહિતના પિયરપક્ષના લોકોએ ડાહ્યાભાઈ પર ત્રાસ ગુજારતા ત્રસ્ત બનેલા ડાહ્યાભાઈ પટેલે ઝેરી ગોળીઓ ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જે ઘટનાને આજે ત્રણ માસ વીત્યા બાદ FSL રિપોર્ટમાં ડાહ્યાભાઈએ લખેલી સુસાઇડ નોટ તેમના પોતાના હસ્તે લખી હોવાનું પુરવાર થતા આખરે વિસનગર શહેર પોલીસે કન્યા પક્ષ તરફથી દીકરીના છૂટાછેડા લેવા માટે 1.25 લાખની માંગણી બાદ પણ વધુ 10 લાખની માગ કરી વેવાઈ પર ત્રાસ ગુજારતા આરોપી મૃતકની પુત્રવધુ તેની માતા અને મામા સામે દુષ્પ્રેરણા મામલે ફરિયાદ નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.