- ICDSની બેઠકમાં સમિતિ ચેરમેનને પતિએ માંડ્યો મોરચો
- પત્નીને અનુભવ નથી માટે ચેરમેનના પતિ સ્ટેજ પર બેઠા..!
- મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનનાા પતિએ ICDSની સભા સંબોધી
મહેસાણાઃ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવતા જ ભાજપના નવા પદાધિકરીઓ ઘેલમાં આવી ગયા છે. જોકે અનુભવ વગર સત્તા પણ પાંગળી બની જતી હોય તેમ જિલ્લા પંચાયતમાં મળેલી ICDS શાખાની બેઠકમાં મહિલા અને બાળ વિકાસ સમિતિઓના ચેરમેન મીના પટેલ સ્ટેજ પર શોભાના ગાંઠિયાની જેમ બેસી રહ્યા હતા. ત્યાં તેમને મળેલી સત્તાનો કારભાર તેમના પતિએ સંભાળી બેઠકમાં પોતાનું સંબોધન કર્યું હતું.
મહિલા ચેરમેનના પતિએ પત્ની બિન અનુભવી હોવાનું કબુલ્યું
મહેસાણા જિલ્લા પંચાયતમાં મળેલી ICDS શાખાની બેઠકમાં મહિલા ચેરમેનનાં પતિ બિન અધિકૃત રીતે બેઠકમાં સ્ટેજ પર મળેલી ખુરશીમાં પ્રથમ હરોળમાં સ્થાન મેળવી સમગ્ર બેઠકમાં જાણે કે પોતે જ ચેરમેન હોય તે રીતે સંબોધનો અને નિર્ણયો રજૂ કરી ઠરાવ પસાર કર્યા હતા. ત્યાંજ મીડિયાની નજર પડતા તેઓને પૂછવામાં આવ્યું કે, તમે પદાધિકારી છો કે કેમ ત્યારે તેમને પોતાની પત્ની બિન અનુભવી હોઈ પોતે બેઠકમાં નિર્ણય કરતા હોવાની વાત સ્વીકારી હતી. આથી પત્નીને મળેલો પદભાર ગેરરીતિથી પોતે ઉપાડી રહ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું.