- કડીમાં CCI કેન્દ્ર પર અધિકારીઓ દ્વારા ગેરરીતિ કરાતી હોવાના આક્ષેપો
- APMCના ડિરેકટર દ્વારા લગાવવામાં આવ્યા આક્ષેપ
- ડિરેક્ટરની રજૂઆત પર યોગ્ય તપાસ ન થતા સાંસદને રજૂઆત
- મહેસાણાના સાંસદ દ્વારા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરાઈ
મહેસાણાઃ કડી કોટનના વેપાર માટે જાણીતું છે. જ્યારે ખેડૂતો જીનિંગ મિલો અને માર્કેટયાર્ડમાં કપાસ વેચવા આવતા હોય છે. જોકે આ કોટનના વેપારમાં માર્કેટિંગ યાર્ડના ડિરેકટર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, CCIના સરકારી અધિકારીઓ દ્વારા ગોટાળો કરવામાં આવી રહ્યુ છે.
કડીમાં CCI કેન્દ્ર પર કપાસની ખરીદીમાં અધિકારીઓ દ્વારા ગેરરીતિ કરાતી હોવાના આક્ષેપો APMCના ડિરેકટર દ્વારા સરકારમાં તપાસ માટે માંગ
કોટનના વેપારથી કાશ્મીર બનેલા કડી શહેરમાં ખેડૂતોને વેપાર માટે સારી તકો મળતી હોય છે. જોકે ખેડૂતો અહીં આવી જીનિંગ મિલો અને માર્કેટિંગ યાર્ડમાં પોતાનું કપાસ વેંચતા હોય છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતો માટે ખાસ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું કેન્દ્ર પણ કાર્યરત કરવામાં આવ્યુ છે. જોકે CCIમાં કપાસની ખરીદી મામલે ગફલા થતાં હોવાની આશંકા જણાવતા ખુદ કડી APMCના ડિરેકટર દ્વારા સરકારમાં તપાસ માટે માંગ કરવામાં આવી હતી. જેને પગલે વિજિલન્સ દ્વારા તપાસ પણ કરાઈ હતી પરંતુ ફરિયાદી દ્વારા પુરાવા ન રજૂ કરાયા હોવાના બહાના હેઠળ આ તપાસ પર પૂર્ણ વિરામ મુકાયો હતો.
મહિલા સાંસદ દ્વારા કેન્દ્ર સરકારમાં કરાઈ રજૂઆત
અરજદારે હાર ન માની સમગ્ર ઘટના મહેસાણા જિલ્લાના મહિલા સાંસદ શારદા પટેલને ધ્યાને મુક્તા તેઓએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી હતી અને યોગ્ય તપાસ કરી નિયમાનુસાર કાર્યવાહી કરવા જાણ કરી છે. ત્યારે સમગ્ર મામલે CCIના અધિકારીઓ પર કપાસની ખરીદીમાં પોતાના અંગત સ્વાર્થ માટે ગફલા કરાતા હોવાનો આક્ષેપ કેટલો સાચો છે તે નિષ્પક્ષ તપાસ બાદ સામે આવી શકે છે.