મહેસાણા : નેશનલ આયુષ મિશન અનુદાનિત આયુષ કચેરી ગાંધીનગર પ્રેરિત જિલ્લા આર્યુવેદ વિભાગ મહેસાણા દ્વારા શનિવારે કાંસા ગામે આયુષ ગ્રામ પ્રકલ્પ કાંસા કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો, આ પ્રોજેક્ટ રાજ્યના 10 પૈકીનો એક છે.
વિસનગરના કાંસામા આયુષગ્રામ પ્રોજેક્ટનો પ્રારંભ, રાજ્યના 10 પૈકી એક છે આ પ્રોજેક્ટ સ્વસ્થ સ્વાસ્થ્ય માટે બ્રહ્મસ્ત્ર કહેવાતા આયુર્વેદને કેન્દ્ર સરકાર દ્વારા વિકસાવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે, ત્યારે ગુજરાત રાજ્યમાં પ્રથમ 10 ગામોને આયુષગ્રામ બનાવવાના પ્રયાસ સાથે શનિવારે મહેસાણા જિલ્લાના એક માત્ર ગામ કાંસા ગામની પસંદગી કરી આયુષગ્રામ પ્રકલ્પ પ્રોજેક્ટનો જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે.
કાંસા ગામે આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિથી જનઆરોગ્ય સ્વસ્થ રહે, તે હેતુથી એક વર્ષમાં આયુષ ગ્રામ બનાવવાનો પ્રકલ્પ કરી આયુર્વેદિક ઔષધિઓ સાથેની આયુષ કિટ આપી ગ્રામજનોને યોગ અને આયુર્વેદિક પદ્ધતિ અપનાવવા આહવાન કરાયું હતુ. આ સાથે કાંસા ગામે જાલંધરબંધ યોગ પદ્ધતિથી ઇન્જેક્શન વગર કોઈ દુખાવા રહિત પીડા આપતા દાંતને દૂર કરવા સહિત આરોગ્યની ચકાસણી કરી દર્દીઓ માટે નિઃશુલ્ક નિદાન કરી જરૂરી આયુર્વેદિક ઔષધિ આપવામાં આવી હતી.
આગામી સમયમાં આયુર્વેદિક ચિકિત્સકોની ટીમ દ્વારા સમગ્ર ગામમાં ઘેરઘેર જઈ જનઆરોગ્યની ચકાસણી કરી જરૂરી સારવાર અને ઔષધિઓ આપવામાં આવશે. આ સાથે પ્રકૃતિના ખોળે ભેટરૂપે મળેલી આયુર્વેદિક ઔષધ વનસ્પતિના છોડ પણ ગામમાં ઘર ઘરના આંગણે રોપવામાં આવશે. આ રીતે એક વર્ષના આયુષગ્રામ પ્રોજેકટ અંતર્ગત કાંસા ગામને આયુષગ્રામ બનાવવામાં આવશે.