મહેસાણાના કડી નજીક દેવુંસણા ગામમાં રહેતો 40 વર્ષીય ઠાકોર લક્ષ્મણજી છનાજીની તેની 40 વર્ષીય પત્ની હીરાબેન ઠાકોરે હત્યા કરી નાખી. આ સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો, ઠાકોર લક્ષ્મણજી છનાજી કડીના દેવુસણા ગામે પોતાની પત્ની ઠાકોર હીરાબેન અને 3 બાળકો સાથે ખેત મજૂરી કામ કરી રહેતો હતો.
કડીના દેઉસણા ગામે પતિની હત્યા કરનાર પત્ની ઝડપાઇ 30 ડિસેમ્બરે લક્ષ્મણજી અચાનક ગુમ થઈ જતા તેની પત્નીએ તેની જાણ પોલીસને કરી હતી. ત્યારે 5 જાન્યુઆરીએ મોડી સાંજે દેવુસણા ગામના એક ખેતરમાં એક ઓરડીમાંથી આવતી દુર્ગંધ અંગે લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ તપાસ કરી હતી. જેમાં ઓરડીમાંથી માટીનો ઢગ હટાવતા ત્યાંથી 5 દિવસથી ગુમ થયેલ અને જમીનમાં દાટેલી લક્ષ્મણજીનો મૃતદેહ મળી આવ્યો હતો.
જેના આધારે પોલીસને હીરાબેન ઉપર શંકા જતા તેની સઘન પૂછપરછ શરૂ કરી હતી. જેમાં હીરાબેને આખરે પોતે કરેલો ગુનો કબૂલ્યો હતો. છેલ્લા એક વર્ષથી પતિના ચારિત્ર્ય ઉપર શંકા અને વહેમ રાખીને બંને વચ્ચે અવાર નવાર તકરાર થતી હતી. જેથી કંટાળી હીરાબેને લક્ષ્મણજીના માથા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા કરી નાખી હતી. તેમજ મૃતદેહને ઓરડીમાં ખાડો ખોદી દાટી દીધો હતો.
સમગ્ર ઘટનાની મૃતક લક્ષ્મણજીના ભાઈ નટુજી છનાજી ઠાકોરે કડી પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા આરોપી હીરાબેન લક્ષ્મણજી ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.