- દોઢ વિઘા ખેતરમાં વાવેલા ઘઉંનો ઉભો પાક બળીને ખાક
- ઘટનાને લઈ તંત્રએ સ્થાનિકોના નિવેદન લીધા
- આગ લગાવવા પાછળનું રહ્યસ્ય અકબંધ
મહેસાણા: જિલ્લામાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય રહેલા છે. જ્યાં આવેલા ખેરાલુ તાલુકામાં બન્ને વ્યવસાય માટે ગામડાના લોકો ખૂબ મહેનત કરે છે. ત્યારે તાજેતરમાં ખેરાલુ તાલુકાના રામપુરા ગામે દોઢ વિઘા ખેતરમાં વાવેલ ઘઉંનો ઉભો પાક એકાએક સળગી ઉઠ્યો હોવાની ઘટના સામે આવી છે. જેને લઈ ખેરાલુ તાલુકા વિકાસ અધિકારીએ ઘટના સ્થળની મુલાકાત લઈ રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરી છે
આગ લાગવાનું કારણ અકબંધ
ખેરાલુ તાલુકા વિકાસ અધિકારીએ ઘટના સ્થળની મુલાકાત કરતા ત્યાં ખેડૂતો અને સ્થાનિકોના નિવેદન લીધા હતા. ખેતર પરથી પસાર થતી વીજ લાઈનમાં સ્પાર્ક થતા ઘઉંના ઉભા પાકમાં આગ લાગી હોવાની ઘટના બની છે. જોકે, અનેક એવા ખેતરમાં વીજ લાઇન જતી હોય છે. ત્યારે આ ઘટનામાં તંત્ર માત્ર સ્થળ નિરીક્ષણ કરીને અહેવાલ તૈયાર કરવા તજવીજ હાથ ધરી છે. જોકે તંત્ર ને આગ લાગવા પાછળનું કારણ પૂછતાં તેઓ સ્થાનિકોનું નિવેદન આગળ ધરી રહ્યા છે, તો હાલમાં આ આગ લાગવાનું રહસ્ય અકબંધ રહ્યું છે
ઘઉંના પાકમાં વીજ કરંટથી આગ લાગવા પાછળ ઘૂંટાતું રહસ્ય..!
ખેરાલુના રામપુરા ગામે ખેતરમાં ઘઉંના ઉભા પાકમાં આગ લાગવા પાછળ તંત્ર દ્વારા કોઈ ખાસ તપાસ કરવામાં નથી આવી. ત્યારે સવાલ એ છે કે, શું વીજ લાઈનમાં સ્પાર્ક થવાના કોઈ પુરાવા લેવામાં આવશે કે કેમ? શું ખેડૂતના નિવેદનોને આધારે તંત્ર કાર્યવાહી કરીને સંતોષ માનશે? ત્યારે અનેક સવાલો વચ્ચે ભૂતકાળની ઘટનાઓ જોતા કેટલાક કિસ્સામાં પાક નુક્સાની દર્શાવીને અનેક લોકોએ સરકારી સહાય કે વીમો પાસ કરવા પ્રયાસ કર્યો છે. તો આ કિસ્સામાં ખેડૂતનો દાવો સાચો કે ખોટો અને આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ સામે લાવવા તપાસ થવી આવશ્યક બન્યું છે.