મહેસાણા જિલ્લામાં APL-1 કેટેગરીના 8,97,641 લાભાર્થીઓને 13 એપ્રિલથી 18 એપ્રિલ મફત અનાજ વિતરણ કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકડાઉન દરમિયાન કોઈપણ ગુજરાતી ભુખ્યો ન રહે તે માટે મફત અનાજ વિતરણની જાહેરાત કરી હતી. તેમજ જેઓ સક્ષમ છે અને મફત અનાજની જરૂર નથી તેમને લાભ જતો કરવા પણ અપીલ કરી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી
By
Published : Apr 11, 2020, 10:44 AM IST
મહેસાણા: જિલ્લામાં APL-1 કેટેગરીના 2,19,365 રેશનકાર્ડ ધારકોના 8,97,641 લાભાર્થીઓને વિના મૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે. રેશનકાર્ડના છેલ્લા આંકડા મુજબ વિતરણની તારીખો નક્કી કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લાના કુલ 2,79,993 રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અન્વયે અગ્રતા ધરાવતાં કુટુંબો અને અંત્યોદય કુટુંબો પૈકી તારીખ 1 એપ્રિલથી 8 એપ્રિલ દરમ્યાન 99.31 ટકા એટલે કે કુલ 2,78,064 કુટુંબોને વિના મુલ્યે ઘઉં, ચોખા, ખાંડ, ચણાદાળ અને આયોડાઇઝ મીઠાનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
કલેકટર એચ. કે. પટેલે જણાવ્યું હતુ કે, મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મધ્યમ વર્ગીય પરિવારો કે જેઓ APL-1 કેટેગરીના રેશનકાર્ડ ધરાવે છે અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદોમાં જેમનો સમાવેશ થયો નથી તેવા લાભાર્થીઓને અનાજ મળવા પાત્ર છે.
કલેક્ટરે જણાવ્યુંં હતું કે, મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ થયો ન હોય તેવા APL-1 કેટેગરીના 2,19,365 રેશનકાર્ડ ધારકોના 8,97,641 લાભાર્થીઓને વિના મૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે. એપીએલ-1 કેટેગરીના રેશનકાર્ડ ધારકોને તેમના 15 આંકડાના રેશનકાર્ડ નંબરના છેલ્લા આંકડાના આધારે તારીખવાર વિતરણ કરાશે. જેનાથી લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઇ શકે.
જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું કે, Non-NFSA APL-1 રેશનકાર્ડ ધારકોને રેશનકાર્ડના છેલ્લા આંકડા મુજબ જાહેર કરેલી તારીખે પોતાના રેશનકાર્ડમાં દર્શાવેલા વ્યાજબી ભાવની દુકાને આધારકાર્ડ અને રેશનકાર્ડના પુરાવા બતાવી અનાજ મેળવવાનું રહેશે. દરેક Non-NFSA APL-1 રેશનકાર્ડ ધારકોને કુટુંબદીઠ ઘઉં 10 કિ.ગ્રા, ચોખા 3 કિ.ગ્રા, ખાંડ 1 કિ.ગ્રા અને દાળ 1 કિ.ગ્રાનું વિતરણ કરવામાં આવશે.
આ ઉપરાંત તેમણે દરેક Non-NFSA APL-1 રેશનકાર્ડ ધારકોને જો અનાજની જરૂર ન હોય તો તેઓ પોતાનો લાભ જતો કરી અન્ય ગરીબ વ્યક્તિઓને જથ્થો પહોંચાડવામાં મદદરૂપ થવા ખાસ અનુંરોધ કરાયો હતો.
સરકારે વધુ લાભાર્થીઓનો સમાવેશ કરવા Non-NFSA BPL કુટુંબોને અનાજ ફાળવવાનો નિર્ણય લીધો છે. જે અન્વયે અત્રેના મહેસાણા જિલ્લામાં કુલ Non-NFSA BPL કુટુંબો-6061 પૈકી 4257 કુટુંબોને ખાંડ તથા મીઠાના મળવાપાત્ર જથ્થા ઉપરાંત વ્યક્તિદીઠ 3.5 કિ.ગ્રા ઘઉં, 1.5 કિ.ગ્રા ચોખા તેમજ કુટુંબદીઠ 1 કિ.ગ્રા ચણા દાળ વિના મૂલ્યે આપવામાં આવ્યું છે.
જિલ્લા પુરવઠા અધિકારી કૃપાલીબેન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં ઉજ્જવલા યોજના અંતર્ગત 11,135 લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા છે. તેમણે ઉજ્જવલા ગ્રાહકોને વધુમાં વધુ ડિજીટલ પેમેન્ટ કરવાનો અનુરોધ કર્યો હતો.
જિલ્લા પુરવઠા અધિકારી કૃપાલીબેન મિસ્ત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, પ્રથમ તબ્બકામાં ફુડ સિક્યુરીટી એલાઉન્સ (FSA) અંતર્ગત તા. 16/03/2020થી તા. 29/03/2020 સુધી મહેસાણા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત નોંધાયેલા ધો. 1થી 5ના વિદ્યાર્થીઓને રૂ. 64,07,307 અને 6થી 8ના વિદ્યાર્થીઓને રૂ. 54,03,991 મળી કુલ રૂ.1,18,11,219ની રકમ SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ)ના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે. તે પૈકી ધો. 1થી 5ના વિદ્યાર્થીઓને રૂ. 37,37,042 અને 6થી 8ના વિધાર્થીઓને રૂ. 31,26,923 મળી કુલ રૂ.68,63,965ની રકમ તેમના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે.
ધો. 1થી 5 વિદ્યાર્થીઓને 1291.80 ક્વિન્ટલ ઘઉં-ચોખા અને 6થી 8ના વિદ્યાર્થીઓને 1164.64 ક્વિન્ટલ ઘઉં-ચોખા મળી કુલ 2456.44 ક્વિન્ટલ ઘઉં-ચોખાનો જથ્થો એફ.પી.એસ. ખાતે ફુડ સિક્યુરીટી એલાઉન્સ (FSA) અંતર્ગત ફાળવવામાં આવ્યા છે. તે પૈકી ધો. 1થી 5 વિદ્યાર્થીઓને 1269.98 ક્વિન્ટલ ઘઉં-ચોખા અને 6થી 8ના વિદ્યાર્થીઓને 1039.64 ક્વિન્ટલ ઘઉં-ચોખા મળી કુલ-2309.62 ક્વિન્ટલ ઘઉં-ચોખાનો જથ્થો અંતર્ગત વિતરણ કરવામાં આવ્યો છે.
રેશનકાર્ડ નંબરના છેલ્લા અંક મુજબ વિતરણની તારીખ નક્કી કરાઈ
રેશનકાર્ડનો છેલ્લો અંક
વિતરણ કરવાની તારીખ
1 અને 2
13 એપ્રિલ 2020
3 અને 4
14 એપ્રિલ 2020
5 અને 6
15 એપ્રિલ 2020
7 અને 8
16 એપ્રિલ 2020
9 અને 0
17 એપ્રિલ 2020
નોંધ:- ઉપરોક્ત જણાવેલા સમયમાં કોઈ લાભાર્થીને જથ્થો મેળવવાનું ચૂકી ગયા હોય તેવા લભાર્થી માટે 18 એપ્રિલ 2020ના રોજ વિતરણ કરવામાં આવશે.