- ઉમિયા માતાજી મંદિર પરિસરમાં એક જ દિવસે 17 નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા
- ઉમિયા માતાજી કાયમી લગ્નોત્સવ યોજનામાં બે વર્ષમાં 644 નવદંપતિ લગ્નગ્રંથિથી જોડાયા
- કોરોના માર્ગદર્શિકાના પાલન સાથે કરવામાં આવ્યુ હતુ આયોજન
મહેસાણાઃ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સમાજમાં દેખાદેખીથી લગ્નો પાછળ થતો અઢળક ખર્ચ, વ્યવહાર અને બિનજરૂરી રિવાજને નાબૂદ કરવા 42 વર્ષ પહેલાં 1978થી કાયમી સમૂહ લગ્નોત્સવ યોજનાનો પ્રારંભ કરાયો હતો. સંસ્થાન દ્વારા મંદિર પરિસરમાં સત્સંગ હોલ, ઉમેશ્વર હોલ, કમિટી હોલ અને ઉમિયા યાત્રીભવન એમ 4 જગ્યાએ સવાર, બપોર અને સાંજે લગ્ન માટેની વ્યવસ્થા કરાઈ છે. ઉમિયા માતાજી મંદિર પરિસરમાં પ્રથમવાર એક જ દિવસે 17 નવદંપતિએ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં છે.
ઊંઝા ઉમિયા માતાજી મંદિર પરિસરમાં એક જ દિવસે 17 નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યાં કોરોના ગાઇડલાઇન સાથે લગ્ન યોજાયા
કોરોના મહામારીમાં સરકારની સંપૂર્ણ ગાઈડ લાઇન મુજબ મંદિરમાં થતાં લગ્નોએ 251નો આંક વટાવ્યો છે. ગત વર્ષે 393 લગ્નો યોજાયાં હતાં. આ વર્ષે 10 ડિસેમ્બરે એક જ દિવસે મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 17 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. જેમાં 5 લગ્ન ફૂલહારથી અને 12 લગ્ન સપ્તપદીના સાત ફેરા લઇને નવયુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. સંસ્થાનના માનદ મંત્રી પટેલ દિલીપભાઈ નેતાજીએ જણાવ્યું કે, માત્ર રૂ.1000માં ફુલહારથી અને રૂ.10,200માં સંસ્થાન નીતિ-નિયમ પ્રમાણે લગ્ન કરી આપવામાં આવે છે. સાથે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
2 વર્ષમાં 1 લાખથી વધુ દીકરીઓનું માતાજીની ચૂંદડી આપી સન્માન કરાયું
ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સમગ્ર ભારતમાં કોઈપણ ખૂણે વાલ્મિકી તેમજ નાયક સમાજ જો સમૂહલગ્ન કરે તો વિનામૂલ્યે નવદંપતીને પાનેતર (ચૂંદડી), કંકુપડો, ઉમિયા માતાજીનો ફોટો આપવામાં આવે છે. ઊંઝા મંદિર પરિસરમાં કોઈપણ સમાજ સમૂહલગ્નનું આયોજન કરે તો પ્લોટ સંસ્થાન દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. સંસ્થાન દ્વારા અત્યાર સુધીમાં 1 લાખ 3 હજાર 689 દીકરીઓનું માતાજીની ચૂંદડી આપી સન્માન કરાયું છે.