- પ્રાકૃતિક ખેતીથી તૈયાર ચીકાશ રહિત લાલ ભીંડા લોકોમાં આકર્ષણરૂપ
- એકાંતરે 40 થી 50 કિલો જેટલા લાલ ભીંડાનો ઉતારો
- પાકમાં ચુસીયા, જીવાત અને ઇયળનો ઉપદ્રવ ઓછો થતાં જંતુનાશક દવાનો ખર્ચ ઓછો
મહીસાગર: વિરપુર ખાતે ગવાર, ચોળી રીંગણ વગેરે શાકભાજીની ખેતીની સાથે યુવા ખેડૂત જગદિશભાઈ વાળંદે લાલ ભીંડાની ખેતી કરી છે. આ ભીંડાનું બિયારણ લખનઉ સ્થિત તેમના મિત્ર પાસેથી મેળવ્યું હતું. ખેતીમાં નવતર પ્રયોગના ભાગરુપે એક વીઘા જેટલી જમીનમાં ખેડૂત જગદિશભાઈએ લાલ ભીંડાની ખેતી કરી જેમાં પ્રારંભિક સફળતા મળતાં તેઓ ખૂબ ઉત્સાહિત છે.
એકાંતરે 40થી 50 કિલો જેટલા લાલ ભીંડાનો ઉતારો આવે છે
હાલ ભીંડા વીણવાની શરુઆત થઈ ગઈ છે. એકાંતરે 40થી 50 કિલો જેટલા લાલ ભીંડાનો ઉતારો આવે છે. ઉપરાંત આ ભીંડામાં લીલા ભીંડાની જેમ કાંટાવાળી રુવાટી ન હોવાથી તોડીને વીણવામાં પણ સરળતા રહે છે. કપાસની જેમ ઝડપી ફૂટ અને ડાળીઓની સંખ્યા પણ ઘણી બધી હોય છે જેથી ઉત્પાદન સારું મળી રહે છે. આ ઉપરાંત આ પાકમાં ચુસીયા, જીવાત અને ઇયળનો ઉપદ્રવ ખૂબ ઓછો થાય છે. તેથી જંતુનાશક દવાનો ખર્ચ પણ ઘણો ઓછો થાય છે. હાલના સમયમાં ખેતી પાકોમાં પરંપરાગત ખેતી છોડીને બાગાયત અથવા શાકભાજીની ખેતીમાં જો આગળ વધવામાં આવે તો સારું વળતર મળી શકે છે.
આ પણ વાંચો:પોરબંદરના બરડા પંથકમાં પ્રાકૃતિક ખેતીથી ખેડૂતે મેળવ્યો કેરીનો મબલક પાક