લુણાવાડાઃ મહીસાગર યોગ ગર્લ તરીકે ઓળખાતી કાજલ રાવતે આજે જિલ્લા કલેકટર આર.બી બારડની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આજે 19મીના રોજ ડુ યોગા બીટ કોરોના રાજ્ય સરકારની મુહિમમાં પોતે જોડાશે અને અન્યને આ મુહિમમાં જોડાવવા પ્રેરણા પૂરી પાડશે. જ્યારે કલેક્ટર આર.બી.બારડે કુમારી કાજલને ભવિષ્યની અને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. કુમારી કાજલ રાવતની જિલ્લા કલેક્ટર સાથેની મુલાકાત દરમિયાન યોગ પ્રશિક્ષક સુરેશચંદ્ર ભાવસાર પણ સાથે રહ્યાં હતાં.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નેસ ગામના લાલસીંગભાઇ રાવતના પરિવારની દિકરી કાજલ, જે મામાને ત્યાં રહીને ધોરણ-7મા નરસીંગપુર મુખ્ય પાથામિક શાળામાં ભણે છે. દિકરીનો આખો પરિવાર નેસ ગામમાં રહે છે. કાજલના પરિવારમાં તેના દાદા-દાદી, માતા-પિતા, ચાર બહેન અને એક ભાઇ છે. જેનું ઘર કાચુ નળીયાવાળુ છે. તેનો પરિવાર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આવા સામાન્ય પરિવારમાંથી આવતી કાજલ પહેલા ધોરણમાં ભણતી હતી, ત્યારે શાળાના યોગ શિક્ષક સુરેશચંદ્ર ભાવસાર સમૂહમાં યોગાસન કરાવતા હતાં, ત્યારે તેમણે કાજલને પશ્ચિમોત્તાનાસન કરતી જોઇ અને તેમને લાગ્યુ કે, આટલુ અઘરૂ યોગાસન સરળતાથી કરી શકે છે, ત્યારથી યોગ શિક્ષકે તેના પર વિશેષ ધ્યાન આપી યોગાસનની તાલીમ આપી હતી. આગળ વધતા કાજલ આર્ટીસ્ટીક યોગામાં યોગાસનના અઘરા આસનો અને રીધેમીક યોગામાં સંગીત સાથે યોગાસનોનો નિયમીત મહાવરો કરી કુશળતા મેળવવામાં આગળ વધી છે.
કાજલ વ્યક્તિગત યોગ ચેમ્પિયનશીપના એ ગૃપના સર્વાગાસન, પૂર્ણ ધનુરાસન, મત્સ્યાસન, પશ્ચિમોત્તાનાસન, બી ગૃપના ભારે આસનો પૂર્ણ સલભાસન, પૂર્ણ ચક્રાસન, બકાસન, ગર્ભાસન, સી ગૃપના અતિભારે આસનો ઉત્થિતપાદ હસ્તાસન, સાંખ્યાસન, શિર્ષાસન, પદ્મ શિર્ષાસન, ટીટ્ટીભાસન તેમજ આર્ટીસ્ટીક સ્પર્ધાના ભારે આસનો ગંડ ભેરુડાસન, કમર મરોડાસનનું પણ સુંદર રીતે યોગ નિદર્શન કરે છે.