મહિસાગર :આજે બુધવારના રોજ દુનિયાભરમાં 'વાઘ દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વમાં અત્યંત ઝડપથી ઘટી રહેલી વાઘની વસ્તીને જોતાં વર્ષ 2010થી દર વર્ષે 29 જુલાઈને વિશ્વ વાઘ દિવસ તરીકે મનાવવામાં આવે છે. 29મી જુલાઈ બુધવારે આંતરાષ્ટ્રીય 'ટાઇગર ડે' તરીકે ઉજવાય છે, આજથી 2 વર્ષ પહેલા મહિસાગર જિલ્લામાં મહેમાન બનીને આવેલા વાઘને કેવી રીતે ભૂલી શકાય?
એક વર્ષ પહેલા મહિસાગરના લુણાવાડના ગઢના જંગલમાં વાઘે દેખા દીધા હતા.જિલ્લામાં લુણાવાડાના ગઢના જંગલ પાસે આવેલા રસ્તા પરથી 6/2/19 ના રોજ કાર લઇને પસાર થતા એક શિક્ષકને વાઘ દેખાયો હતો. શિક્ષકે તેમના મોબાઇલમાં વાઘના ફોટો પાડ્યા હતો.
આ સમગ્ર ઘટનાની જાણ વનવિભાગને કરતા વન વિભાગે નાઇટવિઝન કેમેરા ગોઠવ્યા હતા. સંતમાતરોના જંગલમાં ગોઠવેલા નાઈટ વિઝન કેમેરામાં 12/2/19 ના રોજ દેખાયો હતો. ત્યારબાદ વનવિભાગ દ્વારા વાઘની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
વાઘની ગતિવિધીઓ પર નજર રાખવા માટે વનવિભાગ દ્રારા કામગીરી કરવામા આવતી હતી. જો કે, આ દિવસો દરમિયાન શહેરાના બોરીયા ગામમાં તેમજ કોઠા ગામમાં ગાય ચરાવનારાઓએ વાઘ જોયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ બધા તમામ દાવાઓ વચ્ચે મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સિગ્નલીનાં પાસેના કંતારના ગાઢ જંગલોમાં વાઘનો મૃતદેહ તા 26/2/19 ના રોજ સાંજે સ્થાનિકોને ધ્યાનમાં દેખાતા વનવિભાગને જાણ કરવામા આવી હતી.
વાઘના મોતના સમાચારથી વન્ય પ્રાણી પ્રેમીઓમાં પણ રોષની લાગણી વ્યાપી જવા પામી હતી. વાઘના મૃતદેહનું ગીરથી આવેલી ડોક્ટરની ટીમ તેમજ સ્થાનિક પશુચિકિત્સકની ટીમ સાથે મળીને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. તેના વિસેરાના નમુના લઈ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ વાઘના મૃતદેહને નજીકમા આવેલી ખુલ્લી જગ્યામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વાઘના મૃત્યુની ખબર આસપાસના ગામોમા વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકટોળા ઉમટી પડ્યા હતા.કંતારના ગ્રામજનોએ પણ વાઘના મોત થવાની ઘટનાને દુ:ખદ ગણાવી હતી. વાઘ મૃત્યુની ઘટનાને લઇને વનવિભાગના અધિકારીઓએ દુ:ખ વ્યકત કર્યુ હતું.