જિલ્લા કલેક્ટર આર.બી.બારડે ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, "સાંપ્રત સમયમાં ફક્ત શિક્ષણ જ નહીં કારકિર્દીનું પણ ખૂબ મહત્વ રહેલું છે. શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી ફક્ત ઘરકામમાં જીવન વ્યતીત કરવાં કરતાં મેળવેલા શિક્ષણથી રાષ્ટ્ર અને સમાજ ઉપયોગી થવામાં જ જીવનની સાચી સાર્થકતા છે. જ્ઞાન આપવાથી જ્ઞાન વધે છે. રાષ્ટ્રની પ્રગતિ માટે અને મહિલાની સ્વઉન્નતિ માટે પોતાને સ્પર્શતી પ્રત્યેક બાબતની નિર્ણય પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી હોવી જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગે અનેક પ્રયત્નો થઇ રહ્યાં છે. અનેક યોજનાઓ અમલી કરી છે. રાજ્ય સરકારે એટલે જ મહિલાઓના સશક્તિકરણનું પખવાડિયું ઉજવે છે."
મહિસાગરના લુણાવાડામાં મહિલા શિક્ષણ દિવસની ઉજવણી કરાઈ - મહિલાઓના સશક્તિકરણ
મહિસાગર: જિલ્લાના લુણાવાડા ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત પી.એન.પંડ્યા, કોલેજમાં મહિલા શિક્ષણ દિવસની ઉજવણી કરાઇ હતી. જિલ્લા કલેક્ટર આર.બી.બારડ સહિતના મહાનુભાવોએ દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં કાર્યરત મહિલા અધિકારી અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
પ્રોગ્રામ ઓફીસર શિલ્પાબેન ડામોરે જણાવ્યુ હતું કે, "રાજ્ય સરકાર દિકરીઓના શિક્ષણ માટે સંવેદનશીલ તેમજ વિકાસ અને ઉત્કર્ષ માટે ખૂબ જ પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીનીઓ માટે મફત શિક્ષણ ઉપરાંત, શિષ્યવૃત્તિ, મુખ્યમંત્રી સ્વાલંબન યોજનાની સહાય, સાધન સહાય, દૂરના સ્થળેથી આવતી વિદ્યાર્થીનીઓ માટે એસ.ટી. બસમાં ફ્રી પાસ, હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે રહેવા જમવાની સુવિધા, કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી વિદ્યા લક્ષ્મી એજ્યુકેશન લોન સહાય જેવી અનેકવિધ સહાય ઉપલબ્ધ છે."
આ પ્રસંગે 181 અભયમના દિપિકાબેન ડોડીયાર, પોલીસ સહાયતા કેન્દ્રના સરલાબેન ભાભોર, મેડીકલ ઓફીસર ડૉ. અલ્કાબેન પગીએ પ્રસંગ અનુરૂપ પ્રવચન કર્યુ હતું. કોલેજના આચાર્ય શુક્લાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. જ્યારે નાયબ જિલ્લા શિક્ષણાધિકારી પારઘીએ આભારદર્શન કર્યુ હતું. આ સેમિનારમાં કોલેજની પ્રાધ્યાપિકાઓ, સખી મંડળના પ્રમુખ તેમજ વિશાળ સંખ્યામાં કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.