મહીસાગર: આશરે 20 વર્ષ બાદ કડાણા ડેમમાં પાણીની સપાટી ઘટતા બારેમાસ ડૂબેલું રહેતું નદીનાથ મંદિરમાં શિવલિંગના દર્શન ઉપલબ્ધ થયા હતા જેને કારણે ડેમ પાસે પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવના દર્શન કરવા ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.
કડાણા ડેમની ફરતે આવેલી પથ્થરોની ગુફામાં નદીનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે 1,000 વર્ષ જૂનું હોવાનું અહીંના પૂજારી જણાવે છે.
કડાણા ડેમમાં 20 વર્ષ બાદ પાણીનું સ્તર ઘટતા પૌરાણિક શિવલિંગના ખુલ્યા દર્શન કડાણા ડેમના નિર્માણ પહેલા અહીંયા મહી પૂનમ, ભાદરવી પૂનમનો મેળો ભરાતો હતો. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હતા. પરંતુ ડેમનું નિર્માણ થયું ત્યારથી ગુફામાં આવેલું નદીનાથ મહાદેવ મંદિર પાણીમાં વર્ષોથી ડૂબેલું રહે છે.
વર્ષો બાદ કડાણા ડેમમાં પાણીનું સ્તર નીચે જતા અનોખી રીતે પૌરાણિક પથ્થરોની ગુફામાં આવેલા મહાદેવ મંદિરના ફરી એકવાર દર્શન ખુલતા ભક્તો આનંદવિભોર બની શિવલિંગના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
અત્રે નોંધનીય છે કે નદીનાથ મંદિર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવેલું હોવાથી તેના દર્શન માટે નાવડી દ્વારા ત્યાં સુધી પહોંચી શકાય છે.