- મહીસાગર જિલ્લા ન્યાયાલયના નવનિર્મિત સંકુલનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન
- વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સાથે જિલ્લા ન્યાયાલય સંકુલ કાર્યરત
- ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિના વરદ હસ્તે ઉદ્ઘાટન
મહીસાગર : જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ 2 એપ્રિલ, 2017માં મહીસાગર જયુડિશિયલ ડિસ્ટ્રિક્ટ તરીકે લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લા ન્યાયાલય કાર્યરત થયુ હતું. જે બાદ નાગરિકોને ઘર આંગણે ન્યાય મળી રહે, તે માટે સરકાર દ્વારા જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે વરધરી રોડ પર અત્યાધુનિક સુવિધાયુક્ત રૂપિયા 33.67 કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા ન્યાયાલય સંકુલનું નામદાર ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને મહીસાગર જિલ્લાના વહીવટી જજ ડૉ. જસ્ટીસ અશોકકુમાર સી. જોષીના વરદ હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સાથે શનિવારના રોજથી જ કાર્યરત થયું હતું.
સ્ટાફ માટે જરૂરી વ્યવસ્થા, કેન્ટીન, પાર્કિગ, આંતરિક રસ્તાઓ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ
જિલ્લાના વડામથક લુણાવાડા ખાતે વર્તમાન સ્થિતિ અને સમય મુજબ સુવિધાપૂર્ણ 13,791 ચોરસ મીટર વિસ્તારમાં ચાર માળમાં અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલા જિલ્લાણ ન્યાયાલય સંકુલમાં ADR સેન્ટર, મિડિએશન સેન્ટર, વલનરેબલ વિટનેશ સેન્ટર, સ્ટાફ માટે જરૂરી વ્યવસ્થા, કેન્ટીન, ATM સ્ટેમ્પ વેન્ડ્ર, પાર્કિગ, આંતરિક રસ્તાઓ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો -મહીસાગર જિલ્લામાં 28 ફેબ્રુઆરીના રોજ 873 મતદાનમથક પર મતદાન થશે
આગામી છ માસમાં 8,000 કેસનો નિકાલ કરવાનો સંકલ્પ
પ્રાસંગિક ઉદ્દબોધનમાં જસ્ટીસ ડૉ. જોષીએ પ્રેરક ઉદાહરણો સાથે સુવિધાપુર્ણ નવિનતમ્ જિલ્લા ન્યાયાલય સમાજના છેવાડાના માનવીને વિનામુલ્યે તેમજ દરેક વર્ગને ઝડપી અને સરળતાથી સચોટ ન્યાય મળે, તેવા ઉમદા હેતુ અને સૌને સમાન તક સાથે કોઇ પણ વ્યકિત ન્યાય મેળવવાથી વંચિત ન રહી જાય તે માટે સંનિષ્ઠ પ્રયાસો કરવા અપીલ કરી હતી. આગામી છ માસમાં જિલ્લાના 16,000થી વધુ કેસોના ભારણમાં પચાસ ટકાથી પણ ઓછું થાય તેવા સંકલ્પ સાથે કાર્ય કરશે, તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.