લુણાવાડા: તમાકુ ખાવી એ સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે અને સરકાર દ્વારા પણ લોકડાઉન દરમિયાન કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ મૂકી પાન-ગલ્લા બંધ રાખવામાં આવ્યા હતા. પરંતુ લોકડાઉન -4માં સરકાર દ્વારા નિયમોનું પાલન કરવાની શરતે પાન-ગલ્લા ખોલવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલી પાન-મસાલાની હોલસેલ દુકાન પર સરકાર દ્વારા આપવામાં આવેલ છૂટ છાટનું ઉલ્લંઘન કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો તમાકુ મેળવવા માટે લાંબી કતારોમાં જોવા મળ્યા હતા.
લુણાવાડામાં પાન-મસાલાની હોલસેલ દુકાન પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ - પાન-મસાલાની હોલસેલ દુકાન
કોરોનાની મહામારી વચ્ચે વ્યસન કોરોના પર હાવી થઈ રહ્યું છે અને જાણે કોરોના નાબૂદ થઈ ગયો હોય તેવા દ્રશ્યો મહીસાગરના લુણાવાડાથી સામે આવ્યા છે. જ્યાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી તમાકુ મેળવવા માટે લોકો લાંબી લાઈનોમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે.
પાન-મસાલાની હોલસેલ દુકાન પર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
લોકડાઉનમાં આશરે બે મહિના જેટલો સમય ગાળો પણ વ્યસનીઓને પોતાના વ્યસનમાંથી મુક્ત કરી શક્યો નથી અને તમાકુ મેળવવા માટે તલ પાપડ બનેલા લોકો કોરોનાથી ભય મુક્ત બનીને લાંબી લાઈનોમાં ઉભા હતા. ત્યારે પ્રસાશન દ્વારા કોરોના અટકાવવા માટેના પ્રયાસો પર પાણી ફેરવતા લોકડાઉન 4માં આપવામાં આવેલી છૂટનો દુરુપયોગ કરતા આ દ્રષ્યો ચિંતાજનક છે.