મહીસાગરઃ કોરોના મહા સંકટ વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર અનેકવિધ પગલાં લઈ રહી છે. મહીસાગરના ખાનપુર તાલુકાના બે ગામ જે આખે આખા ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. ખાનપુર તાલુકામાં આવેલા પંડ્યાના મુવાડા અને મક્કરનાં મુવાડા આ બે ગામને ક્વોરન્ટાઇન જાહેર કરાયા છે.
મહીસાગરઃ ખાનપુર તાલુકાના 2 ગામ ક્વોરન્ટાઇન કરાયા
સમગ્ર દેશમાં કોરોનાના કહેરથી બચવા લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં કોરોનાનો ફેલાવો અટકાવી શકાય જે માટે મહીસાગરના ખાનપુર તાલુકાના બે સંપૂર્ણ ગામને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
ખાનપુર તાલુકાના અનેક ગામોમાં અમદાવાદ, સુરત, રાજકોટથી પોતાના વતન લોકો આવ્યા છે. ખાનપુર તાલુકાના કુલ 3351 વ્યક્તિઓને 31/3/2020 સુધીમાં ક્વોરન્ટાઇન કરાયા છે. પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી સંક્રમણ ન ફેલાય એ હેતુથી આ તમામ બહારથી આવનારાઓને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
આ ગામોના લોકોને સહુ ઘરમાં રહે અને કોઈ બહાર ન નીકળે, સંપર્ક મુક્ત રહે એવી સમજાવટ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. લોકોમાં જનજાગૃતિ આવે તેવા ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને વૈશ્વિક મહામારી અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.